મૅજિશ્યન મેસી પર માયામીની મહેરબાનીઃ એક વર્ષ રમવાના આપશે ૪૯૨ કરોડ રૂપિયા

22 June, 2023 01:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્ટર માયામી વતી ૨૧ જુલાઈએ કરશે ડેબ્યુ

લિયોનેલ મેસી

ફુટબૉલના વિશ્વવિજેતા આર્જેન્ટિનાનો કૅપ્ટન લિયોનેલ મેસી ૧૮ વર્ષ સુધી સ્પેનની બાર્સેલોના ક્લબ વતી અને બે વર્ષ સુધી ફ્રાન્સની પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ક્લબ વતી રમ્યા બાદ હવે અમેરિકાની મેજર લીગ સૉકર (એમએલએસ)માં રમવાનો છે અને એ માટે તેણે ઇન્ટર માયામી ક્લબ સાથે જે કરાર કર્યા છે એ મુજબ તે આગામી ૨૧ જુલાઈએ એના વતી ડેબ્યુ કરશે. મેસી ૨૦૨૫ના વર્ષ સુધીના સમયગાળા માટે કરાર કરી રહ્યો છે.
‌અમેરિકાના બિલ્યનેર અને જાણીતી કંપની માસ્ટેકના સ્થાપક જૉર્જ મૅસ ઇન્ટર માયામીના માલિક છે. તેમની ક્લબે આપેલી માહિતી મુજબ મેસી સાથે અઢી વર્ષનો જે કરાર કરાશે એ મુજબ તેને એક વર્ષના ૫૦ મિલ્યન ડૉલર (૪૧૦ કરોડ રૂપિયા)થી ૬૦ મિલ્યન ડૉલર (૪૯૨ કરોડ રૂપિયા) મળશે.
૩૫ વર્ષના મેસીએ ૭ જૂને જાહેર કર્યું હતું કે તે માયામી સાથે જોડાઈ રહ્યો છે. એના વતી તે જે પહેલી મૅચ રમશે એ લીગ્સ કપમાં ક્રૂઝ ઍઝલ સામેની હશે. ફ્લોરિડાના ફૉર્ટ લૉડરડેલના ડીઆરવી પીએનકે સ્ટેડિયમમાં આ મૅચ રમાશે અને મેસી રમવાનો હોવાથી ખાસ આ વખતથી આ સ્ટેડિયમની કૅપેસિટી વધારવામાં આવી રહી છે. અહીં ૩૨૦૦ સીટ વધારીને ૨૨,૦૦૦ કરવામાં આવશે.

9840
મેસી ૨૦ વર્ષની કરીઅરમાં કુલ આટલા કરોડ રૂપિયા કમાયો છે. તેણે આટલી તોતિંગ કમાણી ક્લબો પાસેથી મળેલી વાર્ષિક ફી તથા બોનસ તેમ જ એન્ડોર્સમેન્ટ્સ દ્વારા કરી છે.

lionel messi miami football sports news sports