20 November, 2024 10:56 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
જપાન સામે ૨-૦ મળેલી જીતની ઉજવણી કરતી ભારતીય ટીમ.
બિહારમાં આયોજિત વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની આઠમી સીઝનનો આ નિર્ણાયક દિવસ છે. ડિફેન્ડિંગ ભારત અને ચીન વચ્ચે આજે સાંજે ૪.૪૫ વાગ્યે ફાઇનલ મૅચ રમાશે. એ પહેલાં મલેશિયા અને જપાન વચ્ચે ત્રીજા સ્થાને રહેવા માટે જંગ જામશે. વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૬ની રનર-અપ ટીમ ચીન પાસે આજે પહેલી વાર આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બનવાની તક છે, જ્યારે વર્ષ ૨૦૧૬ અને ૨૦૨૩ની ચૅમ્પિયન ટીમ ભારત પાસે ત્રીજી વાર ચૅમ્પિયન બની સાઉથ કોરિયાના રેકૉર્ડની બરાબરી કરવાની તક છે.
ગઈ કાલે થાઇલૅન્ડને ૩-૦થી હરાવીને સાઉથ કોરિયાની ટીમ પાંચમા ક્રમે રહી હતી. પહેલી સેમી ફાઇનલમાં ચીને મલેશિયાની સામે ૩-૧થી જીત નોંધાવી ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. બીજી સેમી ફાઇનલના છેલ્લા ક્વૉર્ટરમાં બે ગોલ કરી ભારતીય ટીમે જપાનને ૨-૦થી હરાવ્યું હતું. ભારતીય ટીમ આજે પાંચમી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલ રમતી જોવા મળી છે. ભારતીય ટીમ વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૮માં રનર-અપ રહી હતી.
ભારત-ચીન હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૪૬
ચીનની જીત ૨૮
ભારતની જીત ૧૨
ડ્રૉ ૦૬