24 June, 2023 12:05 PM IST | Rio de Janeiro | Gujarati Mid-day Correspondent
સૅન્ટોસ ટીમતરફી પ્રેક્ષકોએ મેદાન પર રૉકેટ તેમ જ બીજા અગનગોળા ફેંક્યા હતા જેને કારણે મૅચ અટકાવાઈ હતી
સામાન્ય રીતે ફુટબૉલની મૅચ દરમ્યાન કંઈક અનિચ્છનીય ઘટના બને તો એમાં સત્તાધીશો કસૂરવાર ખેલાડીને કે પ્રેક્ષકને સજા કરતા હોય છે, પણ બ્રાઝિલમાં નોખો જ કિસ્સો બની ગયો જેમાં ફુટબૉલ ક્લબને સજા કરવામાં આવી છે.
બ્રાઝિલના સાઓ પાઉલોથી મળતા અહેવાલ મુજબ બુધવારે રાતે કૉરિન્થિયસ સામે સૅન્ટોસ ફુટબૉલ ક્લબની ઘરઆંગણે બ્રાલિઝની સેરી-એ નામની લીગ ટુર્નામેન્ટની જે મૅચ હતી એની છેલ્લી મિનિટો દરમ્યાન (સૅન્ટોસની ૦-૨થી હાર થઈ રહી હતી ત્યારે) સૅન્ટોસ ટીમતરફી પ્રેક્ષકોએ મેદાન પર રૉકેટ તેમ જ બીજા અગનગોળા ફેંક્યા હતા જેને કારણે મૅચ અટકાવાઈ હતી અને પછી કૉરિન્થિયસની ૨-૦ની જીત સાથે મૅચને પૂરી થયેલી જાહેર કરાઈ હતી. સૅન્ટોસ ટીમની તરફેણવાળા પ્રેક્ષકો સલામતી રક્ષકો સાથે ઝપાઝપીમાં ઊતરી પડ્યા હતા અને હરીફ ટીમ કૉરિન્થિયસના ખેલાડીઓને ડ્રેસિંગરૂમ તરફ જતા રોક્યા પણ હતા.
સ્ટેડિયમની બહાર પણ તોફાની પ્રેક્ષકોએ સિક્યૉરિટી ગાર્ડ્સ સાથે ઝપાઝપી કરી હતી.
આ ઘટનાને પગલે બ્રાઝિલની સ્પોર્ટ્સ અદાલતે સૅન્ટોસ ક્લબને સજા કરી છે જેમાં એની ફુટબૉલ ટીમે ૩૦ દિવસ સુધી પોતાના ફૅન્સ વિના રમવું પડશે. આ ૩૦ દિવસમાં ૬ મૅચ રમાશે જેમાં સૅન્ટોસતરફી પ્રેક્ષકો નહીં હોય. સૅન્ટોસ ક્લબ બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેની ફેવરિટ ક્લબ હતી. તેઓ યુવાન હતા ત્યારે આ ક્લબની ટીમ વતી રમીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યા હતા.