16 July, 2024 10:15 AM IST | Florida | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન ટીમ આર્જેન્ટિના
ગઈ કાલે ભારે ભીડને કારણે માયામીના હાર્ડ રૉક સ્ટેડિયમમાં ૩૦ મિનિટ મોડી શરૂ થયેલી કોપા અમેરિકા 2024ની ફાઇનલ મૅચ ભારે રસાકસીવાળી રહી હતી. ૯૦ મિનિટની ગેમમાં એક પણ ગોલ ન થતાં ફાઇનલ મૅચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી જ્યાં ૧૧૨મી મિનિટમાં આર્જેન્ટિનાએ ગોલ કરીને કોલમ્બિયાના ૨૮ મૅચના અજેય અભિયાનને રોકી દીધું હતું. સતત બીજી વાર આર્જેન્ટિના કોપા અમેરિકાનું ચૅમ્પિયન બન્યું છે. આર્જેન્ટિના સોળમી વાર આ ટુર્નામેન્ટ જીત્યું છે.
પોતાની બીજી કોપા અમેરિકા ટ્રોફી જીતીને કૅપ્ટન લિયોનેલ મેસી કરીઅરમાં સૌથી વધુ ૪૫ ટાઇટલ જીતનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે બ્રાઝિલના ડૅની આલ્વેસને પછાડ્યો હતો, જેણે ક્લબ અને ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં કુલ ૪૪ ટાઇટલ જીત્યાં હતાં.
ઈજાને કારણે પૂરી ફાઇનલ ન રમી શક્યો એટલે લિયોનેલ મેસી બાળકની જેમ રડી પડ્યો
આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીને કોપા અમેરિકાની ફાઇનલમાં ૬૪મી મિનિટે પગની ઈજાને કારણે બહાર જવાની ફરજ પડી હતી. મેસી પછીથી જમણા પગની ઘૂંટીમાં સોજા સાથે બેન્ચ પર જોવા મળ્યો હતો. ૩૭ વર્ષના આ દિગ્ગજ ખેલાડીને કોપા અમેરિકાની ફાઇનલ મૅચમાં અધવચ્ચે બહાર થવું પડ્યું એને કારણે તે બેન્ચ પર બાળકની જેમ રડી પડ્યો હતો. સ્ટેડિયમમાં હાજર ફૅન્સે તેના નામના નારા લગાવીને તેને મોટિવેટ કર્યો હતો.