14 December, 2025 10:30 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
મેદાનમાં આવ્યો ત્યારથી જ મેસી નેતાઓ, આયોજકો અને સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલો જોવા મળ્યો હતો. મેસીએ ભીડ સામે ઘણી વખત હાથ હલાવીને અભિવાદન કર્યું અને મેદાનની અંદર પહેલાંથી હાજર કેટલાક યંગ ફૅન્સને ઑટોગ્રાફ-સેલ્ફી પણ આપ્યા હતા.
કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં GOAT ઇન્ડિયા ટૂર 2025ની પહેલી ઇવેન્ટ યોજાઈ હતી. સવારે ૧૦ વાગ્યે આ ઇવેન્ટ એક ડાન્સ અને સંગીત પર્ફોર્મન્સથી શરૂ થઈ હતી. સવારે ૧૧.૩૦ વાગ્યે ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચૅમ્પિયન આર્જેન્ટિનાનો કૅપ્ટન લીઅનલ મેસી આયોજકો સાથે મેદાન પર પહોંચ્યો હતો. મેસીની એન્ટ્રી સમયે મેસીના ફોટોવાળી, આર્જેન્ટિનાની જર્સી અને હાથમાં આર્જેન્ટિનાનો ધ્વજ લહેરાવતા હજારો ચાહકો ઝૂમી ઊઠ્યા હતા. કલાકોની રાહ જોયા બાદ મેસીને નજર સામે જોઈને કેટલાક ફૅન્સની આંખો ભીની પણ થઈ હતી.
કલકત્તામાં રોષે ભરાયેલા હજારો ફૅન્સે સ્ટેડિયમની સીટ તોડી, મેદાન પરના તંબુઓ, બૅનરો ફાડીને, સ્પીકર અને ગોલ-સ્ટૅન્ડની નેટ તોડીને પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું હતું.
મેસી મેદાનમાં આવ્યો ત્યારથી જ નેતાઓ, આયોજકો અને સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલો જોવા મળ્યો હતો. મેસીએ ભીડ સામે ઘણી વખત હાથ હલાવીને અભિવાદન કર્યું અને મેદાનની અંદર પહેલાંથી હાજર કેટલાક યંગ ફૅન્સને ઑટોગ્રાફ-સેલ્ફી પણ આપ્યા હતા. તે ફુટબૉલ માટે બનાવેલા મેદાન પર એક ફુટબૉલ-કિક મારે, ગોલ કરે, કોઈ સ્પીચ આપે અને ઑલમોસ્ટ એક કલાક હજારો રૂપિયાની ટિકિટ લઈને આવેલા ફૅન્સની બેઠકવ્યવસ્થાની નજીક જઈને વીતાવે એવી અપેક્ષા સૌને હતી.
જોકે મેસી અને તેના સાથીઓ ઑલમોસ્ટ ૧૦-૨૦ મિનિટમાં જ સ્ટેડિયમ છોડીને જતા રહ્યા હતા. મેદાન પર નેતા સહિતના લોકોથી ઘેરાયેલા ફૅન્સ મેસીની વ્યવસ્થિત એક ઝલક પણ મેળવી શક્યા નહોતા. મેસીને સ્ટેડિયમથી જતાં જોઈને તમામ ફૅન્સમાં ઇમોશનલ-સ્કૅમ થયો હોવાની લાગણી ઊઠી અને એ લાગણી રોષમાં ફેરવાઈ ગઈ હતી.
પાણીની બૉટલ ફેંકીને ઘણા ફૅન્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાની શરૂઆત કરી હતી. ધીરે-ધીરે ઘણા ફૅન્સ મેદાન પાસેનાં બૅરિકેડ્સ કૂદીને અને કેટલાક તોડીને મેદાનમાં આવવા લાગ્યા હતા. સ્ટૅન્ડમાં હાજર ઘણા પોલીસ-જવાનો અને ફૅન્સ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. સ્ટેડિયમની સીટ તોડી, મેદાન પરના તંબુઓ, બૅનરો ફાડીને, સ્પીકર અને ગોલ-સ્ટૅન્ડની નેટ તોડીને હજારો ફૅન્સે પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું હતું. ફૅન્સને કાબૂમાં લેવા માટે સ્ટેડિયમ અને મેસીની હોટેલની બહાર હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો ત્યારે સ્થિતિ કન્ટ્રોલમાં આવી હતી.
ઘણાએ ટિકિટ માટે આખી સૅલેરી ખર્ચી નાખી, ઘણા પોતાનું હનીમૂન અને લગ્ન છોડીને આવ્યા
૩૮ વર્ષના મેસીને જોવા માટે કલકત્તામાં ફૅન્સે ૪૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાની ટિકિટ ખરીદી હતી. આ ટિકિટ ખરીદવા માટે ઘણા ફૅન્સે પોતાના ઑલમોસ્ટ એક મહિનાના પગારનો ઉપયોગ કર્યો હતો. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા ઇન્ટરવ્યુમાં જાણવા મળ્યું કે એક મહિલા-ફૅન પોતાનું હનીમૂન કૅન્સલ કરીને મેસીને જોવા પહોંચી હતી, કારણ કે તે ૨૦૧૦-’૧૧થી તેને ફૉલો કરે છે. એક પુરુષ-ફૅન પોતાનાં લગ્નની વિધિઓ છોડીને સ્ટેડિયમમાં આવ્યો હતો. એક ફૅને તો આખી ઘટનાનો ક્ષાર સમજાવતાં કહ્યું હતું કે ‘અમારા પૈસા, ઇમોશન, ટાઇમ બધું બરબાદ થયું. અમે પૈસા ખર્ચીને મેસીને જોવા આવ્યા હતા, નેતાઓને નહીં.’