30 January, 2025 07:56 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
શીતલે આનંદ મહિન્દ્રને રિટર્ન ગિફ્ટ તરીકે તેની ઓળખસમું તીર આપ્યું હતું.
મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ બન્ને હાથ ન ધરાવતી તીરંદાજ શીતલ દેવીને બ્રૅન્ડ-ન્યુ મહિન્દ્ર સ્કૉર્પિયો N ભેટમાં આપીને પોતાનું વચન પાળ્યું છે. આનંદ મહિન્દ્ર મંગળવારે શીતલ દેવી અને તેના પરિવારને મળ્યા હતા અને તેમણે બન્ને હાથ ન હોવા છતાં પગથી તીર ચલાવીને ધાર્યાં નિશાન પાર પાડતી શીતલ દેવીને પ્રેરણાદાયક ગણાવી હતી.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડની શીતલ દેવીએ ચીનમાં યોજાયેલી એશિયન પૅરા ગેમ્સ 2023માં વ્યક્તિગત અને મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને આખા જગતનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. એ વખતે આનંદ મહિન્દ્રએ શીતલ દેવીની અસાધારણ પ્રતિભાથી ગદ્ગદ થઈને તેને જાહેરમાં મહિન્દ્ર ગ્રુપની મનપસંદ કાર આપવાની ઑફર કરી હતી. શીતલ દેવી એ વખતે ચીનમાં હતી અને સોશ્યલ મીડિયાથી દૂર હતી એટલે તેને આ ઑફર વિશે જાણ નહોતી. તેના પરિવારજનોએ જ્યારે તેને ફોન પર આ ઑફરની વાત કરી ત્યારે શીતલ દેવીને લાગ્યું કે કોઈ મસ્તી કરી રહ્યું છે, પણ જ્યારે તેને ખબર પડી કે આનંદ મહિન્દ્રએ ખરેખર આ ઑફર કરી છે ત્યારે તેના ઉત્સાહનો પાર નહોતો.
શીતલ દેવીએ સ્કૉર્પિયો Nની ફર્સ્ટ ડ્રાઇવ કટરાની કરી હતી જ્યાં તે સપરિવાર ભગવાનનો આભાર માનવા અને પ્રાર્થના કરવા ગઈ હતી.
શીતલ દેવી એ વખતે જોકે ૧૬ વર્ષની હતી એટલે કાર ચલાવી શકે એમ નહોતી, પરિણામે એ વખતે તેણે કાર લેવાનું ટાળ્યું હતું. આ મહિને ૧૦ જાન્યુઆરીએ તે ૧૮ વર્ષની થઈ એ પછી તેણે આનંદ મહિન્દ્ર પાસેથી કાર સ્વીકારી છે. શીતલ દેવીએ સોશ્યલ મીડિયા પર આનંદ મહિન્દ્રનો આભાર માનતાં લખ્યું છે કે મહિન્દ્રની ઘણીબધી કારમાંથી પસંદગી કરવાનું અઘરું હતું, પણ સ્કૉર્પિયો Nએ મારું દિલ જીતી લીધું, મારા ગામના ઊબડખાબડ રસ્તાઓ માટે આ કાર પર્ફેક્ટ છે.