28 December, 2024 10:25 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વન-ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડિયન મહિલાઓને ૩-૦થી હરાવીને ટ્રોફી સાથે ખૂબ જ ખુશખુશાલ ભારતીય મહિલા ટીમ.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે વડોદરામાં વેસ્ટ ઇન્ડીઝને ત્રીજી વન-ડેમાં પણ પરાસ્ત કરીને ક્લીન સ્વીપ કરી હતી. વેસ્ટ ઇન્ડિયન મહિલાઓ ૩૮.૩ ઓવરમાં ૧૬૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે ૨૮.૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૬૭ રન બનાવ્યા હતા.
દીપ્તિ શર્માએ ૬ વિકેટ લઈને અને રેણુકા સિંહે ૪ વિકેટ લઈને વેસ્ટ ઇન્ડિયન મહિલાઓને સસ્તામાં પૅવિલિયન ભેગી કરી હતી. ત્યાર બાદ જોકે ભારત વતી ઇન-ફૉર્મ સ્મૃતિ માન્ધના અને બીજી વન-ડેની સેન્ચુરિયન હરલીન દેઓલ અનુક્રમે માત્ર ૪ અને ૧ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૩૨ રન અને જેમિમા રૉડ્રિગ્સે ૨૯ રન કર્યા હતા તથા દીપ્તિએ બૅટ સાથે પણ ઝળકીને અણનમ ૩૯ રન કર્યા હતા. માત્ર ૧૧ બૉલમાં ત્રણ સિક્સર સાથે ૨૩ રન કરીને અણનમ રહેલી રિચા ઘોષે પણ વિજયમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.
દીપ્તિ શર્માને પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી હતી.
ભારતે આ પહેલાં T20 સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.