25 December, 2022 09:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મીરપુર ટેસ્ટમાં લિટન દાસ સાથે વિકેટની ઉજવણી કરતો બોલર મેહદી હસન મિરાઝ.
બંગલાદેશના સ્પિનરોની વેધક બોલિંગને કારણે મીરપુરમાં રમાતી બીજી ટેસ્ટમાં ભારતની હાલત કફોડી થઈ ગઈ છે. ગઈ કાલે મૅચ પૂરી થઈ ત્યારે બીજી ઇનિંગસમાં ૧૪૫ રનના લક્ષ્યાંક સામે ભારતે ૪૫ રનની અંદર જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી. અઢી દિવસ સુધી ભારતનો દબદબો રહ્યો હતો. જોકે લિટન દાસ (૭૩ રન), નુરૂલ હસન સોહન (૩૧ રન) અને તસ્કીન અહમદ (૩૧ રન)એ આપેલા સહયોગને કારણે તેઓ ટીમના સ્કોરને ૨૩૧ સુધી લઈ જઈ શક્યા હતા. જો ભારત આ મૅચ હારી જાય તો છેલ્લી ચાર વિકેટમાં બંગલાદેશે બનાવેલા ૧૧૮ રન ભારે પડી જશે તેમ જ ટર્ન લેતી પિચ પર કુલદીપ યાદવનો સમાવેશ ન કર્યો એ નિર્ણય ભૂલભરેલો સાબિત થશે. જો ભારત ૧૪૫ રન કરે તો આ મેદાન પર ચોથી ઇનિંગ્સનો ચોથા ક્રમાંકનો સફળ ચેસ હશે.
લોકેશ રાહુલ (૨ રન) બૅટર તરીકે નિષ્ફળ રહ્યો હતો તો ચેતેશ્વર પુજારા પણ (૬ રન) આઉટ થયો હતો. શુભમન ગિલ (૩ રન) આઉટ થતાં ભારતની ચિંતા વધી હતી. રાહુલની વિકેટ શાકિબે તો અન્ય ત્રણ વિકેટ મેહદી હસને લીધી હતી. ભારતે નાઇટ વૉચમૅન તરીકે અક્ષર પટેલને મોકલ્યો હતો. વિરાટ કોહલીની (૧ રન) વિકેટ જતાં ભારતની ચિંતામાં વધારો થયો છે. પહેલી ઇનિંગ્સમાં ૯૩ રન કરનાર રિષભ પંત પાસે આજે સારી ઇનિંગ્સની ભારત આશા રાખશે. મૅચનો સમય પૂરો થયો ત્યારે અક્ષર (૨૬ રન) અને નાઇટ વૉચમૅન જયદેવ ઉનડકટ (૩ રન) ક્રિઝ પર હતા.