૪૮ કલાકમાં જ હોમ ગ્રાઉન્ડ પર પંજાબ સામે જીત મેળવીને હારનો બદલો લીધો બૅન્ગલોરે

23 April, 2025 07:00 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

પંજાબે ૬ વિકેટ ગુમાવીને માંડ ૧૫૭ રન કર્યા, બૅન્ગલોરે ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી ૭ વિકેટે જીત મેળવી લીધી, IPLમાં વિરાટ કોહલી સૌથી વધુ ૬૭ ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સ રમનાર પ્લેયર બન્યો

ગઈ કાલે વિજયના ઉન્માદમાં વિરાટ કોહલી

IPL 2025ની ૩૭મી મૅચમાં પંજાબ કિંગ્સ સામે ૭ વિકેટે જીત મેળવીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ આ સીઝનમાં ઘરની બહાર જીતતા રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલા પંજાબે ૬ વિકેટ ગુમાવીને ૧૫૭ રન બનાવ્યા હતા. બૅન્ગલોરની ટીમે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ૧૫૮ રનનો ટાર્ગેટ ૧૮.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૯ રન બનાવીને ચેઝ કરી લીધો હતો. ન્યુ ચંડીગઢના સ્ટેડિયમમાં વર્તમાન સીઝનની પંજાબની આ છેલ્લી મૅચ હતી. હવે પછીની તેમની હોમ મૅચ ધરમશાલાના મેદાન પર રમાશે.

પંજાબે ૯ ઓવરમાં ૭૬ રનના સ્કોરે ઓપનર પ્રભસિમરન સિંહ (૧૭ બૉલમાં ૩૩ રન) સહિતના ચાર ટૉપ ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટકીપર-બૅટર જોશ ઇંગ્લિશ (૧૭ બૉલમાં ૨૯ રન), સ્ટાર બૅટર શંશાક સિંહ (૩૩ બૉલમાં ૩૧ રન અણનમ) અને ફાસ્ટ બોલર માર્કો યાન્સેન (૨૦ બૉલમાં ૨૫ રન અણનમ)ની ઇનિંગ્સની મદદથી પંજાબ માંડ ૧૫૦ રનનો આંકડો પાર કરી શક્યું હતું. બૅન્ગલોર માટે સ્પિનર્સ કૃણાલ પંડ્યા અને સુયશ શર્માએ સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.

૧૫૮ રનના ટાર્ગેટ સામે વિરાટ કોહલી (૫૪ બૉલમાં ૭૩ રન) અને દેવદત્ત પડિક્કલે (૩૫ બૉલમાં ૬૧ રન) બીજી વિકેટ માટે ૧૦૩ રનની પાર્ટનરશિપ કરીને જીતનો પાયો નાખી દીધો હતો. પંજાબ તરફથી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને હરપ્રીત બ્રારને એક-એક વિકેટ મળી હતી. ૭ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અંત સુધી અણનમ રહેનાર વિરાટ કોહલી પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. આ જીત સાથે બૅન્ગલોરે શુક્રવારે મોડી રાતે તેમના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ સામે મળેલી હારનો બદલો લઈ લીધો હતો. 

IPL 2025 punjab kings royal challengers bangalore virat kohli shreyas iyer cricket news