08 June, 2026 03:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
માનવ સુથાર (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
ડાબોડી સ્પિનર માનવ સુથાર (Manav Suthar)એ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત એટલી ધમાકેદાર રીતે કરી છે કે ભારતીય ક્રિકેટ (Indian Cricket) જગત તેને લાંબા સમય સુધી યાદ રાખશે. અફઘાનિસ્તાન (Afghanistan) સામે મુલ્લાંપુર ટેસ્ટ (Mullanpur Test Match) મેચની પ્રથમ ઇનિંગ્સમાં આ યુવા બોલરે માત્ર ૩૩ રન આપીને ૬ વિકેટ ઝડપી ઇતિહાસ રચી દીધો છે. આ શાનદાર પ્રદર્શન સાથે જ માનવ સુથાર ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુની પ્રથમ ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક નવો સ્પિન સ્ટાર મળી ગયો છે. અફઘાનિસ્તાન સામે મુલ્લાંપુર ટેસ્ટ મેચમાં (India vs Afghanistan Test, Day 3) પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરનારા ડાબોડી સ્પિનર માનવ સુથારે પોતાની પ્રથમ જ ટેસ્ટ ઇનિંગ્સમાં એવું શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેનું નામ રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયું છે.
૨૩ વર્ષીય માનવ સુથારે અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૩૩ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ શાનદાર પ્રદર્શનની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં ભારત (India) તરફથી ડેબ્યુ ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારત માટે ડેબ્યુ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સૌથી શ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ આજે પણ નરેન્દ્ર હિરવાનીના નામે છે, જેમણે વર્ષ ૧૯૮૮માં વેસ્ટઇન્ડીઝ (West Indies) સામે ચેન્નઈ (Chennai) ટેસ્ટ દરમિયાન ૬૧ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી.
હવે માનવ સુથારનું ૩૩ રનમાં ૬ વિકેટનું પ્રદર્શન આ યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે. તેણે વર્ષ ૧૯૬૭માં ઓસ્ટ્રેલિયા (Australia) સામે ૫૫ રન આપીને ૬ વિકેટ લેનારા આબિદ અલીને પાછળ છોડી દીધા છે.
એટલું જ નહીં, માનવ સુથાર આ સદીમાં (વર્ષ ૨૦૦૦ પછી) ભારત તરફથી ડેબ્યુ ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો માત્ર બીજો બોલર બન્યો છે. આ પહેલાં આ સિદ્ધિ અમિત મિશ્રાએ વર્ષ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા સામે મેળવી હતી, જ્યારે તેમણે ૭૧ રન આપીને ૫ વિકેટ લીધી હતી.
આ ઉપરાંત, અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ કોઈપણ બોલરનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ યાદીમાં ટોચના સ્થાને વેસ્ટઇન્ડીઝનો રહકીમ કોર્નવોલ છે, જેણે વર્ષ ૨૦૧૯માં લખનૌ (Lucknow) ટેસ્ટમાં ૭૫ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી.
એકંદરે જોવામાં આવે તો, માનવ સુથાર ટેસ્ટ ડેબ્યુ પર એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો ૧૦મો ભારતીય (અને સ્પિનર્સમાં સાતમો) ખેલાડી બની ગયો છે.
૮/૬૧ - નરેન્દ્ર હિરવાની વિરૂદ્ધ વેસ્ટઇન્ડીઝ (ચેન્નઈ, ૧૯૮૮)
૬/૩૩ - માનવ સુથાર વિરૂદ્ધ અફઘાનિસ્તાન (મુલ્લાંપુર, ૨૦૨૬)
૬/૫૫ - આબિદ અલી વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા (એડિલેડ, ૧૯૬૭)
૬/૧૦૩ - દિલીપ દોશી વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા (ચેન્નઈ, ૧૯૭૯)
મુલ્લાંપુર ટેસ્ટમાં માનવ સુથારની સ્પિન સામે અફઘાનિસ્તાનના બેટ્સમેનો સંપૂર્ણપણે લાચાર દેખાયા હતા. શાનદાર લાઇન-લેન્થ, સચોટ નિયંત્રણ અને સતત દબાણ બનાવીને તેણે સાબિત કરી દીધું છે કે ભારતીય ક્રિકેટને ભવિષ્ય માટે વધુ એક ભરોસાપાત્ર સ્પિનર મળી ગયો છે. બોલિંગ ઉપરાંત માનવ સુથાર નીચલા ક્રમનો એક ઉપયોગી બેટ્સમેન પણ છે અને તેણે ભારતની પ્રથમ ઇનિંગ્સમાં મહત્વના ૨૮ રનનું યોગદાન આપ્યું હતું.