22 November, 2026 08:33 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent
રાહુલ સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ ઍન્ડ ઑસ્ટ્રેલિયા (SENA)માં ટેસ્ટ-સદી ફટકારનાર પ્રથમ ઇન્ડિયન ઓપનર બન્યો છે અને શુભમન ગિલ
કે. એલ. રાહુલની શાનદાર ૧૩૬ રનની ઇનિંગ્સ, શુભમન ગિલના ૯૮ રન, દેવદત્ત પડિક્કલના ૮૦ રન અને રિષભ પંતની અણનમ પંચાવન રનની આક્રમક બૅટિંગની મદદથી ભારતે ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે શનિવારે રમતના અંતે ૧૨૫ ઓવરમાં ૪ વિકેટે ૪૮૬ રન બનાવીને ૧૧૮ રનની મજબૂત સરસાઈ મેળવી લીધી છે. બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહેલી આ મૅચમાં હવે બે દિવસની રમત બાકી હોવાથી યજમાન ન્યુ ઝીલૅન્ડની જીતની આશા ધૂંધળી બની છે અને હવે યજમાન ટીમે મૅચ બચાવવા માટે બૅટિંગ કરવી પડશે.
ઇન્ડિયાની આ મજબૂત સ્થિતિમાં ચારેય બૅટર્સે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કે. એલ. રાહુલે ધીરજપૂર્વક બૅટિંગ કરીને પોતાની ટેસ્ટ-કારકિર્દીની તેરમી, ઓપનર તરીકે બારમી અને ન્યુ ઝીલૅન્ડની ધરતી પર પ્રથમ સદી ફટકારી હતી. દેવદત્ત પડિક્કલે બૅકફુટ પર શાનદાર રમત બતાવી કે. એલ. રાહુલ સાથે બીજી વિકેટ માટે ૧૬૫ રનની ભાગીદારી નોંધાવી હતી. ઇન્ડિયાએ સરસાઈ મેળવ્યા બાદ શુભમન ગિલે રનગતિ તેજ કરી હતી, જ્યારે સાઇડ-સ્ટ્રેનની ઈજામાંથી સાજા થઈને પ્રથમ મૅચ રમી રહેલા રિષભ પંતે દિવસના અંતિમ તબક્કામાં કિવી બોલરોની ધોલાઈ કરી હતી. ઇન્ડિયાના ટૉપ-ફાઇવ બૅટર્સે અડધી સદી ફટકારી હોય એવું વિદેશી ધરતી પરની ટેસ્ટમાં પ્રથમ વખત બન્યું છે. આ ઉપરાંત યશસ્વી જાયસવાલ (બીજા દિવસે ૮૫ રન), કે. એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ અને શુભમન ગિલ એમ ટૉપ-ફોર બૅટર્સે ૮૦થી વધુ રન બનાવ્યા હોય એવી ન્યુ ઝીલૅન્ડમાં કોઈ પણ ટીમની આ પ્રથમ ઘટના છે.
ત્રીજા દિવસે ૧૫૯/૧ના સ્કોરથી આગળ રમતાં ભારત માટે શરૂઆતમાં રન બનાવવા મુશ્કેલ રહ્યા હતા અને દિવસની પ્રથમ ત્રણ ઓવર મેઇડન રહી હતી. ઇન્ડિયાને ખાતું ખોલાવવામાં ૨૧ બૉલ લાગ્યા હતા.
બીજા સેશનમાં ભારતે ૨૭ ઓવરમાં ૧૦૫ રન ઉમેર્યા હતા, જેમાં ૬૯મી ઓવરમાં રાહુલે ૨૦૭ બૉલમાં પોતાની સદી પૂરી કરી હતી.
દેવદત્ત પડિક્કલ આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા શુભમન ગિલે આક્રમક શરૂઆત કરતાં જેકબ ડફીની એક જ ઓવરમાં ૧૫ રન ફટકાર્યા હતા. ટી-બ્રેક બાદ શુભમન ગિલે જેકબ ડફીના બૉલ પર સિક્સર ફટકારીને ૬૮ બૉલમાં અડધી સદી પૂરી કરી હતી અને ઇન્ડિયાને સરસાઈ અપાવી હતી. બીજી તરફ કે. એલ. રાહુલ ૨૯૦ બૉલમાં ૧૩૬ રન બનાવીને નૅથન સ્મિથના બૉલ પર પ્લેડ-ઑન થતાં પ્રેક્ષકોએ ઊભા થઈને તેનું અભિવાદન કર્યું હતું. શુભમન ગિલ ૬૭ રને હતો ત્યારે અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે તેને લેગ બિફોર વિકેટ (LBW) આઉટ આપ્યો હતો, પરંતુ રિષભ પંત સાથે ચર્ચા કર્યા બાદ શુભમન ગિલે રિવ્યુ લીધો હતો, જેમાં બૅટનો અવાજ સ્પષ્ટ થતાં નિર્ણય બદલાયો હતો.
રિષભ પંતે શરૂઆતના ૩૭ બૉલમાં ૧૫ રન બનાવ્યા બાદ આક્રમક રૂપ અપનાવતાં જેકબ ડફીની એક ઓવરમાં બે સિક્સર અને એક ચોક્કા સાથે ૧૮ રન ઝૂડી કાઢ્યા હતા અને પંચાવન બૉલમાં પોતાની બાવીસમી ટેસ્ટ અડધી સદી પૂરી કરી હતી. શુભમન ગિલ અને રિષભ પંત વચ્ચે સદીની ભાગીદારી પૂરી થયા બાદ દિવસની અંતિમ ઓવરમાં જેકબ ડફીના બૉલ પર શુભમન ગિલ (૯૮ રન, ૧૪૬ બૉલ, ૯ ચોક્કા, બે સિક્સર) બોલ્ડ થતાં માત્ર બે રન માટે સદી ચૂકી ગયો હતો. રમતના અંતે રિષભ પંત પંચાવન રને અને નાઇટવૉચમૅન અંશુલ કમ્બોજ ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યા હતા.
ચોથી વાર નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયો શુભમન ગિલ
શુભમન ગિલ દિવસની રમત પૂરી થવાના ત્રણ બૉલ બાકી હતા ત્યારે ફાસ્ટ બોલર જેકબ ડફીના બૉલમાં બોલ્ડ થયો હતો અને માત્ર બે રન માટે પોતાની બારમી ટેસ્ટ-સદી ચૂકી ગયો હતો. ટેસ્ટ-ક્રિકેટમાં ચોથી વખત શુભમન ગિલ નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયો છે.