midday

નવા કૅપ્ટન્સના નેતૃત્વમાં વિજય સાથે સીઝનનો આરંભ કરવાનો પ્રયાસ કરશે લખનઉ અને દિલ્હી

25 March, 2025 07:02 AM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Correspondent

વિશાખાપટનમમાં પહેલી વાર ટકરાશે બન્ને ટીમ : ગઈ સીઝનની બન્ને મૅચ દિલ્હી જીત્યું હતું
કૅપ્ટન અક્ષર પટેલ અને દિલ્હી કૅપિટલ્સ સાથે જોડાયો સ્ટાર બૅટર કે. એલ. રાહુલ.

કૅપ્ટન અક્ષર પટેલ અને દિલ્હી કૅપિટલ્સ સાથે જોડાયો સ્ટાર બૅટર કે. એલ. રાહુલ.

આજે વિશાખપટનમના સ્ટેડિયમમાં IPL 2025ની ચોથી મૅચ દિલ્હી કૅપિટલ્સ (DC) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. ૧૫ IPL મૅચની યજમાની કરનાર આ સ્ટેડિયમમાં લખનઉ અને દિલ્હી વચ્ચે પહેલી વાર મૅચ રમાશે. પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ સમાન આ સ્ટેડિયમમાં દિલ્હી ૭ મૅચ રમી ચૂક્યું છે. ગયા વર્ષે બન્ને ટીમ વચ્ચે રમાયેલી બે મૅચમાં લખનઉ સામે દિલ્હીએ બાજી મારી હતી.

રિષભ પંત આજે લખનઉ માટે પહેલી વાર કૅપ્ટન્સી કરતો અને પોતાની જૂની ફ્રૅન્ચાઇઝી દિલ્હી સામે પહેલી વાર રન બનાવતો જોવા મળશે. કે. એલ. રાહુલ પણ પોતાની જૂની ફ્રૅન્ચાઇઝી લખનઉ સામે પહેલી વાર પ્લેયર તરીકે રમતો જોવા મળશે. અક્ષર પટેલ દિલ્હી કૅપિટલ્સના રેગ્યુલર કૅપ્ટન તરીકે નવી સફરની શરૂઆત કરશે. વાઇસ-કૅપ્ટન તરીકે નિકોલસ પૂરન લખનઉ અને ફાફ ડુ પ્લેસિસ દિલ્હીની ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

હેડ ટુ હેડ રેકૉર્ડ

કૂલ મૅચ

૦૫

LSGની જીત

૦૩

DCની જીત

૦૨

લખનઉનો કૅપ્ટન રિષભ પંત.

લખનઉ સુપર જાયન્ટ્સમાં શાર્દૂલ ઠાકુર ઇન, મોહસિન ખાન આઉટ

IPL 2025 અભિયાનની શરૂઆત કરતાં પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સે (LSG) પોતાની સ્ક્વૉડમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ઉત્તર પ્રદેશનો ૨૬ વર્ષનો ફાસ્ટ બોલર મોહસિન ખાન (ચાર કરોડ રૂપિયા) ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. તેના સ્થાને મહારાષ્ટ્રના ૩૩ વર્ષના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર (બે કરોડ રૂપિયા)ને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.

પ્લેયર્સની ઇન્જરીની ચર્ચા વચ્ચે તેને પહેલાંથી જ બૅકઅપ પ્લેયર તરીકે પ્રૅક્ટિસ-સેશનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ૨૪ IPL મૅચનો અનુભવ ધરાવતા મોહસિન ખાનના સ્થાને શાર્દૂલ ઠાકુરનો ૯૫ મૅચનો અનુભવ આ સ્ક્વૉડ સાથે જોડાયો છે, છતાં ૨૪ સભ્યોની આ સ્ક્વૉડ ૭૫૯ મૅચ સાથે આ સીઝનની સૌથી ઓછી અનુભવી ટીમ તરીકે જળવાઈ રહેશે.  

indian premier league IPL 2025 delhi capitals lucknow super giants kl rahul axar patel Rishabh Pant shardul thakur cricket news sports news sports