23 December, 2024 09:29 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન બોલર આકાશ દીપ
ગૅબા ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સની ઓવરમાં ચોગ્ગો ફટકારીને ફાસ્ટ બોલર આકાશ દીપે ભારતને ફૉલો-ઑનથી બચાવી લીધું હતું. જસપ્રીત બુમરાહ સાથે દસમી વિકેટની ૪૭ રનની પાર્ટનરશિપ વિશે વાત કરતાં તે કહે છે કે ‘અમે નીચલા ક્રમમાં બૅટિંગ કરવા આવીએ છીએ અને એથી ૨૦, ૨૫ અથવા ૩૦ રનનું યોગદાન મૂલ્યવાન છે. ત્યારે હું ટીમમાં યોગદાન આપવા વિશે જ વિચારતો હતો. હું એ દિવસે ફૉલો-ઑન બચાવવા માટે રમી રહ્યો નહોતો. મારું ધ્યાન ફક્ત આઉટ ન થવા પર હતું. ભગવાનની ઇચ્છા અને અમે ફૉલો-ઑન બચાવવામાં સફળ રહ્યા. જ્યારે તમે આવી પરિસ્થિતિઓમાં મૅચ બચાવો છો ત્યારે સમગ્ર ટીમનો આત્મવિશ્વાસ વધે છે અને અમે અમારા ડ્રેસિંગરૂમમાં એની ઝલક જોઈ શકીએ છીએ. છેલ્લી મૅચના અંતિમ દિવસે અમે જે આત્મવિશ્વાસ મેળવ્યો હતો એ હજી પણ અમારી સાથે છે.’
ગૅબા ટેસ્ટની ભારતીય ઇનિંગ્સમાં આકાશ દીપે ૪૪ બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૧ રનની ઇનિંગ્સ રમી હતી. પાર્ટટાઇમ બોલર ટ્રૅવિસ હેડની ઓવરમાં તે વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથે કૅચઆઉટ થયો હતો.