23 February, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ પછી સ્ટાર ભારતીય બૅટર વિરાટ કોહલી આ ફૉર્મેટમાં ૬ ઇનિંગ્સમાં ફક્ત ૧૩૭ રન જ બનાવી શક્યો છે, જેમાં એક હાફ-સેન્ચુરીનો સમાવેશ છે. તેણે બંગલાદેશ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં ૩૮ બૉલમાં એક ચોગ્ગાની મદદથી બાવીસ રન કર્યા હતા. ૨૯૮ વન-ડે રમનાર કોહલીએ બંગલાદેશ સામે ૧૦ બૉલ રમ્યા બાદ પહેલો રન કર્યો હતો, પણ તેણે બે શાનદાર કૅચ પકડીને વન-ડેમાં ભારત તરફથી સૌથી વધુ ૧૫૬ કૅચ પકડવાના ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને કોચ અનિલ કુંબલેએ સ્ટાર બૅટર વિરાટ કોહલીના ફૉર્મ વિશે મહત્ત્વપૂર્ણ કમેન્ટ કરી છે.
અનિલ કુંબલે કહે છે, ‘મને લાગે છે કે તે થોડો વધારે પડતો પ્રયાસ કરી રહ્યો છે. તે જે રીતે પોતાની ઇનિંગ્સને આગળ ધપાવી રહ્યો છે એમાં તમે એ જોઈ શકો છો. તેણે એની ચિંતા કરવાની જરૂર નથી. રોહિત શર્માને જુઓ, તે મુક્તપણે રમે છે, કારણ કે આગળ ઘણા બૅટ્સમેન છે અને તેઓ બધા શાનદાર ફૉર્મમાં છે. એવી જ રીતે વિરાટે પણ કોઈ પણ બાબતની ચિંતા કર્યા વિના મુક્ત રીતે રમવાની જરૂર છે. બધા પ્લેયર્સ પોતાની કરીઅરમાં મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે, પરંતુ તેની બૅટિંગ જોઈને મને લાગે છે કે તે પોતાના પર ખૂબ દબાણ લાવી રહ્યો છે. જ્યારે તમારા પર આ પ્રકારનું દબાણ હોય છે અને અપેક્ષાઓનો બોજ તમારા પર હોય છે ત્યારે તમે અચાનક આવી બાબતોને બિનજરૂરી મહત્ત્વ આપવાનું શરૂ કરો છો અને સારું પ્રદર્શન કરવા માટે ખૂબ પ્રયત્ન કરવા માંડો છો. મને ખાતરી છે કે જ્યારે તે પોતાની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યો હતો ત્યારે તે આવી બાબતો વિશે વિચારતો નહોતો.’