10 September, 2025 01:59 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
એક માણસે ૬ અલગ કંપનીઓમાં ૯ વર્ષ નોકરી કરીને ૩ કરોડ રૂપિયાનો પગાર લીધો
કોવિડ દરમ્યાન જ્યારથી વર્ક ફ્રૉમ હોમ શરૂ થયું છે ત્યારથી અનેક લોકો પોતાની મૂળ જૉબની સાથે રાતના સમયે બીજી નોકરી કરીને વધારાની કમાણી કરી લેતા હોવાના કિસ્સા બહુ બહાર આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ આવું થયું છે. જોકે એ મૂનલાઇટિંગ એટલે કે એક ઉપરાંત બીજી સીક્રેટ જૉબનો કિસ્સો નથી. એક માણસે એકસાથે છ-છ નોકરીઓ કરી છે. જોકે એકેય જૉબમાં તેણે ખરેખર કામ કર્યું જ નથી અને છતાં તમામ નોકરીઓમાંથી પગાર ખાધો છે. ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના ગોટાળાનો આ મામલો છે. આગરાના અર્પિત સિંહ નામના યુવકે છેલ્લાં ૯ વર્ષથી છ અલગ-અલગ જિલ્લાઓમાં નોકરી કરી છે અને કુલ ૩ કરોડ રૂપિયાનો પગાર પણ વસૂલ કર્યો છે. નવાઈની વાત એ છે કે દરેક જગ્યાએ તેનું નામ અર્પિત સિંહ જ છે, પિતાનું નામ અનિલકુમાર સિંહ છે, ઍડ્રેસ અને જન્મતારીખ પણ એક છે. માત્ર તેણે આધાર કાર્ડ છ બનાવીને છ જિલ્લાઓમાં સરકારી નોકરીના નામે પગાર વસૂલ કર્યો હતો.