29 April, 2026 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ ફ્લેટ 3000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે તેમાં 3 બેડરૂમ, 4 બાથરૂમ અને એક પાઉડર રૂમ છે. - ફાઈલ તસવીર અને સ્ક્રીન ગ્રેબ
મુંબઈમાં પોતાનું ઘર હોવું કોઈ સપનાથી ઓછું નથી, અને જો એ ઘર સાઉથ મુંબઈમાં હોય… અને તે પણ દેશના સૌથી તવંગર માણસ મુકેશ અંબાણીના મહેલ ‘એન્ટીલિયા’ના બિલકુલ પડોશમાં હોય, તો પછી વાત જ શું કરવી! પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંબાણી સાહેબના વિસ્તારમાં રહેવાની કેટલી કિંમત ચૂકવવી પડે? વિચારો તમારો વાટકી વહેવાર નીતા અંબાણી સાથે હોય તો? આજ કાલ સોશિયલ મીડિયા પર અંબાણીના ઘરના નજીક આવેલા એક 4BHK ફ્લેટનો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ ફ્લેટનું અંદરનું દ્રશ્ય જેટલું ભવ્ય છે, તેનું ભાડું સાંભળીને સામાન્ય માણસના પગ નીચેની જમીન પણ ભવ્યતાથી ખસી જશે એવું કહેવામાં કંઈ ખોટું નથી.
આ ફ્લેટ પેડર રોડ પર આવેલી પ્રસિદ્ધ અને ઐતિહાસિક ‘માર્લબોરો હાઉસ’માં છે. 1938માં બનેલી આ ‘આર્ટ ડેકો’ શૈલીની બિલ્ડિંગ પોતે જ મુંબઈના ઇતિહાસનું એક પાનું છે. મિડ ડેની એક રિપોર્ટ મુજબ, તેને પ્રસિદ્ધ બ્રિટિશ આર્કિટેક્ટ ક્લોડ બેટલેએ એક જર્મન મહિલાની માટે ડિઝાઇન કર્યું હતું, જે વર્લ્ડ વોર IIના કારણે ભારત છોડી ગઈ અને ક્યારેય આ ઘરમાં રહી જ ન શકી. 1945માં તેને રામજી હંસરાજ કમાણીએ ખરીદી લીધી હતી. આ સમગ્ર બિલ્ડિંગમાં માત્ર 6 ફ્લેટ છે.
લક્ઝરી રિયલ એસ્ટેટ કન્ટેન્ટ ક્રિએટર ગૌરવ બોધિજા Realty sharks એ આ ફ્લેટના રિનોવેશન બાદનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હવે જરા દિલ થામો, કારણ કે આ 4BHK ફ્લેટનું મહિનાનું ભાડું 12 લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યું છે. થોભો જરા, હજુ ટ્વિસ્ટ બાકી છે. આ ફ્લેટમાં શિફ્ટ થવા માટે તમને એડવાન્સ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે 6 મહિનાનું ભાડું આપવું પડશે. એટલે કે ફક્ત ડિપોઝિટ તરીકે તમને 72 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. એટલા પૈસામાં તો ભારતમાં કોઈપણ ટિયર 2 શહેરમાં એક સારું ઘર ખરીદી શકાય!
જો તમને લાગતું હોય કે કે એટલા પૈસામાં શું સોનાની દીવાલો મળશે, તો ચાલો જરા એ પણ જાણી લઈએ કે આ ફ્લેટમાં છે શું? આ ફ્લેટ 3000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે
તેમાં 3 બેડરૂમ, 4 બાથરૂમ અને એક પાઉડર રૂમ છે. મુંબઈ જેવા શહેરમાં જ્યાં બાલ્કનીના નામે માત્ર કબૂતર ખાના કે માચીસની ડબ્બી જેવી જગ્યા મળે છે, ત્યાં આ ફ્લેટમાં 750 સ્ક્વેર ફૂટનો પ્રાઇવેટ અને લીલોછમ ગાર્ડન છે. સાથે 2 કાર પાર્કિંગ, સર્વન્ટ ક્વાર્ટર અને પિકલ બૉલ કોર્ટનો એક્સેસ પણ મળે છે. એ વાત અલગ છે કે ભાડું કે ડિપોઝિટ બેમાંથી કંઇપણ ભર્યું તો બાકી બધું વસાવવા માટે કંઈ બચશે કે નહીં એ ખબર નથી.
સાવ સીધી વાત છે, જ્યારે 12 લાખ રૂપિયા મહિનાનું ભાડું સોશિયલ મીડિયા પર ચર્યાય, તો મીમર્સ અને સામાન્ય લોકો શાંત કેવી રીતે બેસે. વીડિયો ના કોમેન્ટ સેક્શનમાં લોકો આ બાબતની મજા લઈ રહ્યા છે. એક યુઝરે મજાકમાં પૂછ્યું કે જો હું તેમના મુકેશ અંબાણીના પડોશમાં રહીશ તો શું અંબાણી મને આ પૈસા આપશે? બીજા એક યુઝરે લખ્યું કે હું આ જ વિસ્તારમાં ઘર શોધી રહ્યો છું, તમારી પાસે આનાથી પણ વધુ મોંઘું કંઈ છે? કદાચ એમ બને કે આપણા જેવા સામાન્ય માણસ માટે આ ફ્લેટનું ભાડું સાંભળવું પણ ગરીબીનો અહેસાસ કરવા જેવું હશે પરંતુ મુંબઈના અરબપતિઓ માટે આ કદાચ સામાન્ય વાત હશે. જો તમારે માટે આ ભાડું કોઈ ભરવા તૈયાર હોય અથવા તો તમને ટંકશાળ મળે તો તમે અહીં 12 લાખ રૂપિયાનું ભાડું આપી રહેવા તૈયાર થશો?