12 March, 2021 07:31 AM IST | California
રેસ્ટોરાંને પ્રમોટ કરવા યુવાન 24 કલાક ગ્રેવીમાં બેસી રહ્યો
કોરોના વાઇરસની મહામારીને કારણે ખોટ સહન કરનારી લૉસ ઍન્જલસની એક રેસ્ટોરાંને ફરી ધમધમતી અને પ્રમોટ કરવા એક અનોખી જહેમત ઉઠાવવામાં આવી હતી.
એ માટે કૅલિફૉર્નિયાનો સ્ટન્ટમૅન ૨૪ કલાક સુધી પ્રવાહી ખાદ્ય વાનગી બીન ડીપ ભરેલા ટબમાં બેસી રહ્યો હતો. આ બીન ડીપ એટલે બ્રેડ કે ફરસાણ જેવી વાનગી બોળવા માટે ચીઝ અને કઠોળ ભેળવીને બનાવાતું ગ્રેવી કે ચટણી જેવું પ્રવાહી અને આ ભાઈસાહેબે આખો દિવસ એમાં ધામા નાખ્યા હતા.
હન્ટર રે બાર્કર નામનો આ સ્ટન્ટમૅન ચૅટ્સવર્થ વિસ્તારની લૉસ ટોરોસ મેક્સિકન રેસ્ટોરાંની બહાર મોટા ટબમાં ભરેલા બીન ડીપમાં સોમવારે બપોરે ત્રણ વાગ્યાથી મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધી બેઠો હતો. બાર્કર બીન ડીપમાં બેઠો એ સમયગાળામાં એ રેસ્ટોરાંમાં બ્લૉક પાર્ટી ચાલતી હતી. પાર્ટીમાં જતા-આવતા લોકોની નજરે ચડે એ રીતે તે ટબમાં બેઠાં-બેઠાં તેના શરીર પર રેસ્ટોરાંના લોગોનું ટૅટૂ ચીતરાવી રહ્યો હતો. બાર્કરનું એ સાહસ વિચિત્ર અને હાસ્યાસ્પદ લાગતું હોવા છતાં તે રેસ્ટોરાંને પ્રમોટ કરવાનો હેતુ સિદ્ધ કરવામાં મોટા ભાગે કામિયાબ રહ્યો છે.