પ્રેમી સાથે મળીને પાંચ વર્ષની દીકરીને મારી નાખી, મર્ડરનો આરોપ પતિ પર લગાવ્યો

18 July, 2025 02:09 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

સોના મૃત્યુ પામી એ પછી રોશની અને ઉદિતે તેનો મૃતદેહ બેડના બૉક્સમાં મૂકી દીધો હતો અને ૧૪ જુલાઈની સવારે તેઓ ઘરની બહાર નીકળી ગયાં હતાં

બૉયફ્રેન્ડ ઉદિત સાથે રોશની.

પ્રેમી સાથે મળીને પોતાની પાંચ વર્ષની દીકરીનું મર્ડર કરનારી લખનઉની રોશની ખાનનો કિસ્સો આજકાલ ઉત્તર પ્રદેશમાં ચર્ચાસ્પદ બન્યો છે. ૨૫ વર્ષની રોશની છેલ્લાં બે વર્ષથી ૩૩ વર્ષના પતિ શાહરુખ ખાનથી અલગ થઈને ૩૨ વર્ષના પ્રેમી ઉદિત જાયસવાલ સાથે રહે છે. દીકરી સોનાને મમ્મીનો તેના બૉયફ્રેન્ડ સાથેનો સંબંધ પસંદ નહોતો અને તે પોતાના પપ્પા સાથે રહેવા માગતી હતી. ૧૩ જુલાઈની રાત્રે તેણે પપ્પા સાથે રહેવા જવાનો અતિશય આગ્રહ કર્યો હતો અને ત્યારે મમ્મી રોશનીએ પહેલાં તો ગુસ્સામાં તેને ખૂબ મારી હતી અને પછી તેના શરીર પર ચડીને તેનો જીવ લઈ લીધો હતો. એ વખતે દીકરીની ચીખોને દબાવવા ઉદિત જાયસવાલે તેનું મોઢું દાબી દીધું હતું.

સોના મૃત્યુ પામી એ પછી રોશની અને ઉદિતે તેનો મૃતદેહ બેડના બૉક્સમાં મૂકી દીધો હતો અને ૧૪ જુલાઈની સવારે તેઓ ઘરની બહાર નીકળી ગયાં હતાં. તેમણે ઘણે ઠેકાણે જઈને દારૂ પીધો હતો અને પછી એક હોટેલમાં જઈને રોકાયાં હતાં. ૧૫ જુલાઈની સવારે રોશની ઘરે આ‍વી હતી અને દીકરીની ડેડ-બૉડી બહાર કાઢીને ACની સામે મૂકી હતી અને વાસની તીવ્રતા ઘટાડવા ડીઓડરન્ટ છાંટ્યું હતું.

ત્યાર બાદ આ મર્ડરમાં પતિ શાહરુખ ખાનને ફસાવવા રોશનીએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે ઘરે આવ્યો હતો અને દીકરીને મારીને ભાગી છૂટ્યો હતો.

રોશનીની ફરિયાદ પરથી શાહરુખ સામે મર્ડર બદલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયો અને તેને તથા રોશની-ઉદિતને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યાં. એમાં વિરોધાભાસી નિવેદનો, CCTV કૅમેરાનાં ફુટેજ વગેરેને પગલે રોશનીનું જુઠ્ઠાણું લાંબું ટક્યું નહીં અને બન્નેની ધરપકડ કરવામાં આવી.

એક સમયે દિલ્હીની ક્લબોમાં ડાન્સર તરીકે કામ કરતી રોશની મોજશોખની લાઇફ જીવતી હતી અને દારૂની પણ બંધાણી હતી. પ્રેમી ઉદિત સાથે તે જે ઘરમાં રહેતી હતી એ તેના પતિનું છે અને તેને તેણે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. સાસરિયાંઓને પણ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલ્યાં હતાં.

lucknow murder case crime news national news news offbeat news social media relationships