દુલ્હાની ટ્રેન છૂટી ન જાય એ માટે ઇન્ડિયન રેલવેએ તેના પરિવાર માટે બનાવી આપ્યો સ્પેશ્યલ કૉરિડોર

18 November, 2024 02:53 PM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

મુંબઈથી એક દુલ્હાની જાન ગુવાહાટી જઈ રહી હતી. એમાં તેઓ મુંબઈથી હાવડા ગીતાંજલિ એક્સપ્રેસમાં જવાના હતા અને હાવડા પહોંચ્યા પછી ત્યાંથી ગુવાહાટીની ટ્રેન બદલવાની હતી.

સોશ્યલ મીડિયા ‘એક્સ’ પર કરેલ પોસ્ટ

મુંબઈથી એક દુલ્હાની જાન ગુવાહાટી જઈ રહી હતી. એમાં તેઓ મુંબઈથી હાવડા ગીતાંજલિ એક્સપ્રેસમાં જવાના હતા અને હાવડા પહોંચ્યા પછી ત્યાંથી ગુવાહાટીની ટ્રેન બદલવાની હતી. ગીતાંજલિ એક્સપ્રેસ ત્રણ કલાક લેટ હતી અને તેમની કનેક્ટિવ ટ્રેનનો સમય થઈ રહ્યો હતો. હાવડા ૧૫ કિલોમીટર દૂર હતું ત્યારે જ દુલ્હાના જાનૈયાઓમાંથી ચંદ્રશેખર વાઘે સોશ્યલ મીડિયા ‘એક્સ’ પર પોતાની સમસ્યા રજૂ કરી હાવડા રેલવે અધિકારીઓ પાસે મદદ માગી હતી. હાવડા રેલવેના નવા કૉમ્પ્લેક્સથી જૂના કૉમ્પ્લેક્સ સુધીનું કમ્યુટ વડીલો, બાળકો અને સામાન સાથે કરવામાં સહેજ ગરબડ થાય તો તેમની ટ્રેન છૂટી જાય એમ હતી. રેલવે અધિકારીઓએ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક જાન માટે બૅટરી ઑપરેટેડ કાર અને વ્હીલચૅરની વ્યવસ્થા કરીને એક ખાસ કૉરિડોર જેવું તૈયાર કરી દીધું જેથી જાનૈયાઓ એક ટ્રેનમાંથી ઊતરીને ગણતરીની મિનિટોમાં જૂના કૉમ્પ્લેક્સમાં આવેલા પ્લૅટફૉર્મ સુધી પહોંચીને ગુવાહાટીની ટ્રેન પકડી શકે. આ કામ સરળતાથી પાર પડી જતાં જાનૈયાઓએ રેલવે અધિકારીઓનો ઘણો આભાર માન્યો હતો.

guwahati mumbai indian railways twitter social media national news news offbeat news