10 December, 2025 08:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ડુંગળી (કાંદા) અને લસણ જેવી રસોઈમાં વપરાતી સામાન્ય સામગ્રીને કારણે એક દંપતી વચ્ચે એવો મતભેદ નિર્માણ થયો કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. અંતે, આ મામલે ગુજરાત હાઈ કોર્ટે પત્નીની અપીલ ફગાવી દીધી અને ફૅમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશને માન્ય ગણાવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી પત્નીએ ડુંગળી અને લસણ ખાવાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે. જોકે તેના પતિ અને સાસરિયાઓ પર આવા કોઈ ધાર્મિક કે આહાર પ્રતિબંધો રાખ્યા નહોતા. 2002 માં તેમના લગ્ન થયા ત્યારથી, દંપતી વચ્ચે રસોડાના ઉપયોગને લઈને સતત તણાવ રહેતો હતો. મામલો એ હદ સુધી વધી ગયો કે રસોઈ માટે અલગ વ્યવસ્થા કરવી પડી હતી, તેમ છતાં ઉલેક ન આવતા તેઓ કોર્ટમાં પહોંચ્યા હતા.
પત્ની વારંવાર તેના માતાપિતાના ઘરે જાય છે
સમય જતાં, ઘરેલું ઝઘડો વધતો ગયો, અને પત્ની તેના બાળક સાથે તેના માતાપિતાના ઘરે ગઈ. 2013 માં, પતિએ અમદાવાદ ફૅમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં તેની પત્ની પર માનસિક ક્રૂરતા અને ત્યજી દેવાનો આરોપ મૂકવામાં આવ્યો. ફૅમિલી કોર્ટે 8 મે, 2024 ના રોજ છૂટાછેડાનો આદેશ મંજૂર કર્યો, જેમાં પતિને તેની પત્નીને ભરણપોષણ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો. આ નિર્ણય બાદ, બન્ને પક્ષોએ હાઈ કોર્ટનો સંપર્ક કર્યો. પતિએ ભરણપોષણની રકમને પડકારી અને પત્નીએ છૂટાછેડાના આદેશને રદ કરવાની માગ કરી.
હાઈ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને જ માન્ય રાખ્યો
હાઈ કોર્ટની સુનાવણી દરમિયાન એક મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્નીએ કોર્ટને જાણ કરી કે તેને હવે છૂટાછેડા સામે વાંધો નથી. આનાથી તેનો છૂટાછેડાનો પડકાર પાછો ખેંચવાનો ઈરાદો સ્પષ્ટ થયો. કોર્ટે પોતાનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે પત્નીએ સ્પષ્ટ કર્યું છે કે તેને છૂટાછેડા સામે કોઈ વાંધો નથી, તેથી કોર્ટે છૂટાછેડાના મુદ્દા પર વધુ વિચાર કરવાની જરૂર નથી. કોર્ટે કૌટુંબિક કોર્ટના આદેશને માન્ય રાખ્યો, લગ્નને કાયદેસર રીતે રદ જાહેર કર્યા. ભરણપોષણના મુદ્દા પર પતિની અરજી પર વધુ સુનાવણી કરવામાં આવશે. જેથી આજકાલના સમયમાં નાની બાબતને લીધે પણ શરૂ થયેલો પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો ડિવોર્સ સુધી પહોંચી જાય છે.
પત્નીના મૃત્યુ પછી ભાંગી પડેલા પતિએ ટ્રેન સામે પડતું મૂક્યું
કાનપુરના ગોવિંદનગરમાં રહેતા ૩૫ વર્ષના ભાનુ સિંહે શનિવારે મોડી રાતે ટ્રેન સામે પડતું મૂકીને સુસાઇડ કરી લીધું હતું. કાનપુર-ઝાંસી રેલવેલાઇન પાસે યુવકનું શરીર પાટા પર કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ભાનુ સિંહના પિતા કેસર સિંહે કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ પહેલાં તેનાં લગ્ન પ્રાચી નામની છોકરી સાથે થયાં હતાં. હજી ચાર મહિના પહેલાં જ તેમના ઘરે પારણું ઝૂલતું થયું હતું. જોકે નવજાત બાળક જન્મીને તરત મૃત્યુ પામતાં પ્રાચી ડિપ્રેશનમાં જતી રહી. તેનું સ્વાસ્થ્ય કથળતું ગયું અને ૨૬ નવેમ્બરે તેનું મૃત્યુ થયું. પહેલાં બાળક અને પછી પત્નીને ગુમાવ્યા પછી ભાનુ સિંહ પણ બેચેન અને અવસાદમાં રહેવા લાગ્યો હતો. પરિવાર વિખેરાઈ જતાં ભાનુ સિંહ અંદરથી તૂટી ગયો હતો અને સાવ ગૂમસૂમ રહેવા લાગ્યો હતો. તે ઘરે જ સુસાઇડ-નોટ લખીને રેલવે-ક્રૉસિંગ પાસે આત્મહત્યા કરવા નીકળ્યો હતો. નોટમાં તેણે લખ્યું હતું : હું મારી પત્નીને મળવા જાઉં છું. મારા લક્ષ્મણ જેવા ભાઈને પરેશાન ન કરવામાં આવે.’