૮૫ વર્ષનાં આ રિટાયર્ડ ટીચર કર્ણાટકમાં ઇચ્છામૃત્યુ મેળવનારી પ્રથમ વ્યક્તિ બનશે?

13 February, 2025 07:05 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટના ઑર્ડર મુજબ વ્યક્તિને સન્માન સાથે મૃત્યુ પામવાનો અધિકાર પામનારું પહેલું રાજ્ય બન્યું છે કર્ણાટક

૮૫ વર્ષનાં આ રિટાયર્ડ ટીચર કર્ણાટકમાં ઇચ્છામૃત્યુ મેળવનારી પ્રથમ વ્યક્તિ બનશે?

સરકારી શાળાનાં ૮૫ વર્ષનાં રિટાયર્ડ શિક્ષક એચ.બી. કરિબસમ્મા છેલ્લાં ઘણાં વર્ષોથી સન્માનજનક મોતના અધિકાર માટે કાયદાકીય લડત લડી રહ્યાં હતાં અને એ વિશે હવે કર્ણાટક સરકારે ચુકાદો આપી દીધો છે. 

કર્ણાટકમાં વર્ષોથી સન્માન સાથે મોતના અધિકાર માટે પ્રચારક રહેલાં કરિબસમ્મા પણ લડાઈ લડી રહ્યાં હતાં અને હવે તેમની આ લડાઈનો અંત આવી ચૂક્યો છે, કારણ કે રાજ્ય સરકારે ગંભીર રીતે બીમાર રોગીઓને સન્માન સાથે મરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો છે. 

કર્ણાટકમાં એચબી કરિબસમ્મા અધિકાર સાથે મરવાનાં પ્રથમ લાભાર્થી બનશે. રાજ્ય સરકારે ૩૦ જાન્યુઆરીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં ગંભીર રીતે બીમાર રોગીઓને સન્માન સાથે મરવાનો અધિકાર આપવાનો આદેશ અપાયો હતો. હવે કરિબસમ્માને આ મૃત્યુ માટે જરૂરી તમામ ફૉર્માલિટી પૂર્ણ થવાની રાહ છે. કરિબસમ્મા છેલ્લાં ૨૪ વર્ષથી ઇચ્છામૃત્યુના અધિકાર માટે લડતાં રહ્યાં છે. સરકારનો આ નિર્ણય પણ તેમના વર્ષોના સંઘર્ષનું પરિણામ જ છે. 

કરિબસમ્મા છેલ્લા ૩ દસકા કરતાં વધારે સમયથી સ્લિપ્ડ ડિસ્કથી પરેશાન છે. હાલમાં તેમને કૅન્સર હોવાનું પણ નિદાન થયું છે. એ દરમ્યાન તેમનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું હતું છતાં તેમણે સન્માનપૂર્વક મૃત્યુ સામેની લડાઈ ચાલુ રાખી હતી. એને માટે તેમણે સુપ્રીમ કોર્ટથી માંડીને રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, મુખ્ય પ્રધાન સહિતના તમામ રાજકીય અને કાયદાકીય સર્વોચ્ચોને પત્ર લખ્યા હતા. જોકે હાઈ કોર્ટે ૨૦૧૮માં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને કાયદેસર કરી દીધું હતું, પરંતુ કર્ણાટકમાં સન્માન સાથે મોતનો અધિકાર લાગુ કરવાનો નિર્ણય હવે લેવામાં આવ્યો છે. 

શું છે ઇચ્છામૃત્યુ અથવા સન્માનપૂર્વક મોત?
એવી કોઈ વ્યક્તિ જે ગંભીર અને સારવાર શક્ય ન હોય એવી બીમારીથી પીડિત હોય અને તે સારવારને આગળ વધારવા ન માગતી હોય તો તે ઇચ્છામૃત્યુની માગણી કરી શકે છે, જેના અંતર્ગત તેની તમામ સારવાર અટકાવી દેવામાં આવશે જેથી પ્રાકૃતિક રીતે તે દરદીને મોત મળી શકે. રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન દિનેશ ગુંડુરાવે ઇચ્છામૃત્યુ વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે માત્ર એ લોકોને જ લાગુ થશે જેઓ વેન્ટિલેટર પર હોય અથવા કોઈ દરદીના સ્વાસ્થ્યમાં લાંબા સમયથી કોઈ સુધારો ન જોવા મળ્યો હોય.

karnataka karnataka high court indian penal code national news india