07 January, 2026 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓ માટે સારા સામાચાર છે. ૧૫ કોચ પછી હવે ૧૮ કોચની લોકલ ટ્રેનની તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈના લોકલ ટ્રેનના નેટવર્કમાં મુખ્યત્વે ૧૨ કોચવાળી લોકલ ટ્રેનો ચલાવવામાં આવે છે. એમાં સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે બન્ને પર ૧૫ કોચવાળી કેટલીક ટ્રેનો પણ દોડે છે. લોકલના નેટવર્કમાં ૩૦૦૦થી વધુ સર્વિસ દોડે છે જેમાં દરરોજ ૭૫ લાખથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. હવે વેસ્ટર્ન રેલવે દ્વારા પાલઘર જિલ્લાના વિરાર-દહાણુ રોડ દરમ્યાન ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ ૧૮ કોચવાળી બે લોકલ ટ્રેનની ટ્રાયલ કરવામાં આવશે.
એક ઑફિસરે કહ્યું હતું કે બૉમ્બાર્ડિયર ઇલેક્ટ્રિકલ અને મેધા ઇલેક્ટ્રિકલ દ્વારા ઇમર્જન્સી બ્રેકિંગ ડિસ્ટન્સ (EBD) અને કપલર ફોર્સ (CF)થી સજ્જ ૧૮ કોચવાળી બે લોકલ ટ્રેનની ચકાસણી કરવામાં આવશે. EBD ટ્રાયલ સામાન્ય રીતે કટોકટીમાં ટ્રેન કેટલી ઝડપથી રોકાઈ શકે છે એનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે છે, જ્યારે CF ટ્રાયલ બ્રેકિંગ દરમ્યાન કપલર પર લાગુ બળ નક્કી કરે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ નવી ટ્રેનો રેગ્યુલર યુઝમાં લાવતાં પહેલાં આ પરીક્ષણો ફરજિયાત હોય છે જે સલામતીનું સ્ટાન્ડર્ડ ગણાય છે. આ ચકાસણી બૉમ્બાર્ડિયર અને મેધાના ત્રણ તબક્કાની પ્રોપલ્શન સિસ્ટમ્સથી સજ્જ ઉપનગરીય લોકલ ટ્રેનો પર કરવામાં આવશે.
બૉમ્બાર્ડિયર ઇલેક્ટ્રિકલ સિસ્ટમથી સજ્જ ૧૮ કોચવાળી ટ્રેન માટે ટ્રાયલ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની મૅક્સિમમ સ્પીડે કરવામાં આવશે, જ્યારે મેધા ઇલેક્ટ્રિકલ સિસ્ટમથી સજ્જ રેકની મૅક્સિમમ ૧૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચકાસણી કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ રિસર્ચ ડિઝાઇન્સ ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑર્ગેનાઇઝેશન (RDSO)એ ટ્રાયલ કરવા માટે રેક્સની તૈયારી અને યોગ્ય લોડિંગ કરવા જણાવ્યું છે.
વેસ્ટર્ન રેલવે પર AC લોકલ ટ્રેનોમાં દરરોજ સરેરાશ ૩૩૦ મુસાફરો ટિકિટ વગર પકડાઈ રહ્યા છે. ૨૦૨૫માં એપ્રિલ અને ડિસેમ્બરની વચ્ચે ટિકિટ વિના પ્રવાસ કરવા માટે ૯૧,૦૦૦ જેટલા પૅસેન્જરો પાસેથી ૨.૯૭ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ૨૦૨૪ની સરખામણીમાં આ દંડની રકમમાં ૯૭ ટકા વધારો છે. વેસ્ટર્ન રેલવેએ પાછલા સમયમાં AC લોકલ ટ્રેનોમાં ચેકિંગ વધારી દીધું છે. વેસ્ટર્ન રેલવેએ ૨૦૨૫માં એપ્રિલ-ડિસેમ્બરના સમયમાં લોકલ, એક્સપ્રેસ, પૅસેન્જર તમામ ટ્રેનો મળીને કુલ ૧૫૫.૪૬ કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલ્યા હતા.