13 March, 2025 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણેય કંપનીના ચિન્હો
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયોએ અમેરિકાના ઈલૉન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે સ્ટારલિન્કની ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં લાવવા માટે કરાર કર્યા છે. એક દિવસ પહેલાં એટલે કે ૧૧ માર્ચે રિલાયન્સ જિયોની પ્રતિસ્પર્ધી કંપની ભારતી ઍરટેલે પણ સ્ટારલિન્ક સાથે આવા કરાર કર્યા હોવાની જાણકારી આપી હતી.
આમ ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ આપવા માટે સ્ટારલિન્કે ભારતની બે પ્રતિસ્પર્ધી ટેલિકૉમ કંપનીઓ સાથે કરાર કર્યા છે અને ભારત સરકારની મંજૂરી બાદ જે કંપની સાથેના કરારને માન્યતા મળશે એ ભારતમાં સ્ટારલિન્કની ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરી શકશે.
થોડા સમય પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા ત્યારે તેમણે ઈલૉન મસ્ક સાથે બેઠક કરી હતી અને એના બાદ આ બેઉ ટેલિકૉમ કંપનીઓ સાથે કરાર થયા હતા.
પહેલાં તો કર્યો હતો વિરોધ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ પહેલાં સ્ટારલિન્કની સેવા ભારતમાં શરૂ કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો અને હવે આશ્ચર્યકારક પગલામાં એની સાથે કરાર કર્યા છે. મસ્ક અને અંબાણી વચ્ચે સૅટેલાઇટ ઇન્ટરનેટ માટે ઍરવેવ્ઝ કેવી રીતે સોંપવા એ મુદ્દે તીવ્ર લડાઈ થઈ હતી, પણ નવી દિલ્હીએ અમેરિકાના અબજપતિ બિઝનેસમૅન ઈલૉન મસ્કનો પક્ષ લીધો હતો. એના પગલે રિલાયન્સ જિયોએ મસ્કની કંપની સાથે કરાર કર્યા હતા.
જિયો સ્ટોર્સમાં વેચાશે સ્ટારલિન્કનાં ઉપકરણ
જો મસ્ક અને જિયોની કંપની વચ્ચે કરારને માન્યતા મળશે તો રિલાયન્સ જિયોના તમામ સ્ટોર્સમાં સ્ટારલિન્કનાં ઉપકરણો વેચવામાં આવશે. આમ સ્ટારલિન્કને દેશમાં લાખો સ્ટોર્સમાં એનાં ઉપકરણો વેચવા ડિસ્ટ્રિબ્યુશન પૉઇન્ટ મળી જશે.