Rajdhani Express Fire: રતલામ પાસે રાજધાની એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી- ૬૮ પેસેન્જર્સથી ભરેલી હતી ટ્રેન

17 May, 2026 02:21 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

Rajdhani Express Fire: ત્રિવેન્દરમથી હઝરત નિઝામુદ્દીન તરફ આ જઈ રહેલી આ ટ્રેન રતલામથી રવાના થઈ હતી. કોચમાં આગ લગવાને કારણે દિલ્હી-મુંબઈનો રેલવે માર્ગ ટ્રેનોની અવરજવર માટે પ્રભાવિત થયો હતો

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીથી નિઝામુદ્દીન તરફ જઇ રહેલ તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ- ૧૨૪૩૧ના (Rajdhani Express Fire) બે કોચમાં અચાનક આગ ફાટી નીકળતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રિવેન્દરમથી હઝરત નિઝામુદ્દીન તરફ આ જઈ રહેલી આ ટ્રેન રતલામથી રવાના થઈ હતી. કોચમાં આગ લગવાને કારણે દિલ્હી-મુંબઈનો રેલવે માર્ગ ટ્રેનોની અવરજવર માટે પ્રભાવિત થયો હતો. લૂની-વિક્રમગઢ વચ્ચેની ટ્રેનના બી-1 કોચમાં સવારે ૫.૧૫ વાગ્યે આગ લાગી હતી. ગાર્ડે તરત જ લોકો પાયલટને આ બાબતે જાણકારી આપી હતી. તરત જ ટ્રેન રોકવામાં આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેન (Rajdhani Express Fire)માં કુલ ૬૮ જેટલા મુસાફરો હતા. આગની ઘટના બાદ પ્રભાવિત કોચને માત્ર 15 મિનિટની અંદર જ અલગ કરી દેવામાં આવ્યા હતા અને ત્વરિત એક્શન લેવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રતલામ ડિવિઝનના પીઆરઓ મુકેશ કુમારે જણાવ્યું હતું કે આ ઘટના કોટા રેલ્વે ડિવિઝન હેઠળ વિક્રમગઢ અલોટ અને લુનિરિછા સ્ટેશનો વચ્ચે બની હતી. આ ટ્રેન રતલામ જંક્શનથી સવારે 3.45 વાગ્યે ઉપડીને આગળ વધી હતી.

ગાર્ડે લોકો પાઇલટને ચેતવ્યા

ગાર્ડની સતર્કતાને કારણે મોટી જાનહાનિ રહી ગઈ છે. કારણ કે ગાર્ડે એક ડબ્બામાંથી આગની જ્વાળાઓ બહાર આવતી જોઈ અને એણે તરત જ લોકો પાયલટને ઇન્ફર્મ કરી દીધા હતા. જેના પગલે ટ્રેનને તાબડતોબ રોકવામાં આવી હતી અને પ્રભાવિત કોચ (Rajdhani Express Fire)ને અલગ કરવામાં આવ્યા હતા. રેલવે પ્રશાસન દ્વારા તરત જ ઓવરહેડ વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી આગ વધારે પ્રસરે નહીં. જોકે, બુઝાવવાની કામગીરી કરવામાં આવે ત્યાં સુધીમાં તો આગ બી-1 કોચની પાછળ આવેલ લગેજ-કમ-ગાર્ડ વાન (એસએલઆર)માં પણ પ્રસરી ગઈ હતી. જોકે, બંને કોચના તમામ મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા. કોઈપણ મુસાફર અથવા રેલવે સ્ટાફને કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. અસરગ્રસ્ત બી-1 કોચને રેકથી અલગ કરવામાં આવી દીધો હતો જેથી આગ વધારે વકરે નહીં. એમ પશ્ચિમ મધ્ય રેલવે, કોટા ડિવિઝને એક નિવેદનમાં જણાવ્યું હતું.

આગ પર કાબૂ મેળવ્યા બાદ અસરગ્રસ્ત કોચ અને ક્ષતિગ્રસ્ત ગાર્ડ વાનને ટ્રેન (Rajdhani Express Fire)ના રેકમાંથી અલગ કરવામાં આવ્યા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આગ પર કાબૂ મેળવી લીધા બાદ પરિસ્થિતિ થાળે પડી અને ટ્રેન સવારે 9.45 વાગ્યે ફરી શરૂ કરવામાં આવી હતી.

આ આગ કઇ રીતે ફેલાઈ હતી તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને રેલવે અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.  અધિકારીઓ અસરગ્રસ્ત કોચ અને સંબંધિત ઉપકરણોની તપાસ પણ આદરી છે. જોકે, બે અઠવાડિયામાં આ પ્રકારની ટ્રેનમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. અગાઉ 15 મેના રોજ શુક્રવારે સાંજે નામપલ્લી રેલવે સ્ટેશન પર હૈદરાબાદ-જયપુર સ્પેશ્યલ એક્સપ્રેસના બે એસી કોચ આગનો ભોગ બન્યા હતા.

national news india train accident fire incident delhi indian railways madhya pradesh