01 March, 2026 08:45 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા
રાજસ્થાન સરકારે ૩ શહેરોનાં નામ બદલ્યાં છે. માઉન્ટ આબુ હવે આબુ રાજ, કામાં હવે કામવન અને જહાજપુર હવે યજ્ઞપુર તરીકે ઓળખાશે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. સરકારે આ પ્રદેશની સાંસ્કૃતિક અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃ સ્થાપિત કરવાની દિશામાં આ મોટું પગલું ગણાવ્યું છે.
સિરોહી જિલ્લામાં આવેલું રાજ્યનું એકમાત્ર હિલ-સ્ટેશન માઉન્ટ આબુ ઘણાં વર્ષોથી રાજસ્થાન માટે જ નહીં, દેશ-વિદેશમાં પણ એક મુખ્ય પ્રવાસન આકર્ષણ રહ્યું છે. માઉન્ટ આબુને હિન્દીમાં આબુ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આબુ રાજ એની પ્રાચીન ઓળખ છે જેને હવે માન્યતા આપવામાં આવી છે.
ભરતપુર જિલ્લામાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા કામાંનું નામ બદલીને કામવન કરવામાં આવશે. કામાં બ્રજ પ્રદેશની સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલું માનવામાં આવે છે.
ભીલવાડા જિલ્લામાં જહાજપુર એક ઐતિહાસિક શહેર છે જે પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં ઊંડાં મૂળ ધરાવે છે. સરકારનો દાવો છે કે આ શહેરનો સંબંધ પ્રાચીન યજ્ઞપરંપરા અને ધાર્મિક માન્યતાઓ સાથે રહેલો છે. આથી આ નામકરણ કરવામાં આવ્યું છે.