10 June, 2026 01:24 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ બુધવારે દેશના રાજકીય ઇતિહાસમાં એક મોટો માઇલસ્ટોન પાર કર્યો છે. તેઓ ભારતીય બંધારણ (Indian Constitution) અમલમાં આવ્યું ત્યાર પછીથી દેશમાં સૌથી લાંબો સમય સેવા આપનારા વડાપ્રધાન (PM Narendra Modi longest continuously serving Prime Minister) બની ગયા છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને લોકસેવા, નમ્રતા તેમજ કર્તવ્ય જેવા મૂલ્યોને યાદ કર્યા હતા, જે તેમના મતે સુશાસન (ગુડ ગવર્નન્સ)નો અસલી પાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ભારતમાં સૌથી લાંબો સમય સેવા આપનારા ચુંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. આ મામલે તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના કાર્યાલયમાં ૪,૩૯૯ દિવસોના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
આ ઐતિહાસિક ક્ષણ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક સંદેશ શેર કર્યો હતો. આ સંદેશમાં તેમણે સુશાસન માટે લોકસેવા, નમ્રતા અને સમર્પણના મૂલ્યો પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘લોકસેવા એ જ સુશાસનનું સૌથી મોટું માપદંડ છે. જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને કર્તવ્યની ભાવના સાથે અથાક પરિશ્રમ કરે છે, તે જ જનતાનો સાચો વિશ્વાસ જીતી શકે છે.’
આ પોસ્ટમાં નેતૃત્વ અંગેના એક સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘શાસકોએ હંમેશા નાગરિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ અને નમ્રતાપૂર્વક શાસન કરવું જોઈએ.’
આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ કેન્દ્રમાં મોદી સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાની સાથે જ સામે આવી છે. નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમણે ૨૦૧૯ અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં સતત વિજય મેળવ્યો હતો. આ સાથે તેઓ પંડિત જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) પછી સતત ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતનારા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. અત્રે નોંધનીય છે કે આ સરખામણીમાં જવાહરલાલ નેહરુના ૧૯૫૨ પછીના કાર્યકાળને ધ્યાનમાં લેવામાં આવ્યો છે, કારણ કે ૧૯૪૭થી ૧૯૫૨ દરમિયાન દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ તે પહેલાં તેઓ વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.
મોદી સરકારના આ કાર્યકાળ દરમિયાન દેશમાં અનેક મોટા માળખાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં નવું સંસદ ભવન, સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ, કર્તવ્ય પથ, વંદે ભારત ટ્રેનો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આઈએનએસ વિક્રાંત (INS Vikrant), કાશ્મીર રેલ લિંક, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, નમો ભારત રેપિડ રેલ (RRTS) અને ગંગા એક્સપ્રેસવે જેવા અતિ મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
બીજી તરફ, દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એકંદરે ૧૪ વર્ષ કરતાં વધુ સમય સુધી આ પદ સંભાળ્યું હતું, પરંતુ તેમનો કાર્યકાળ સતત નહોતો. આથી નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સતત સેવા આપનારા ચુંટાયેલા વડાપ્રધાન બની ગયા છે.