25 February, 2025 07:14 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્થૂળતાના વધતા જતા પ્રભાવને ઓછો કરવા માટે દેશવાસીઓએ તેમના ખાદ્યતેલના વપરાશમાં ૧૦ ટકાનો કાપ મૂકવાની અપીલ કરી હતી.
આધુનિક જીવનશૈલીને કારણે સ્વાસ્થ્યની સમસ્યા વધી રહી છે અને એમાંય ખાસ કરીને સ્થૂળતાનો વ્યાપ વધી રહ્યો છે એ વિષયને ઉઠાવતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે લોકોએ તેમના ભોજનમાં ૧૦ ટકા ખાદ્યતેલનો કાપ મૂકવો જોઈએ. આ સંદર્ભમાં સોશ્યલ મીડિયામાં જાગૃતિ પેદા કરવા માટે ૧૦ લોકોએ ખાદ્યતેલમાં ૧૦ ટકા કાપ કરવા માટે ચૅલેન્જ લેવાની વાત કરી હતી. આ ૧૦ લોકો બીજા ૧૦ લોકોને આવી ચૅલેન્જ આપે એમ તેમણે અપીલ કરી હતી.
‘મન કી બાત’ના ૧૧૯મા એપિસોડમાં તેમણે સ્થૂળતાના મુદ્દે ઑલિમ્પિક ખેલાડી નીરજ ચોપડા, નિખત ઝરીન અને સ્વાસ્થ્યનિષ્ણાત ડૉ. દેવી શેટ્ટી સાથે થયેલી વાતચીત સંભળાવી હતી. તેમણે કહ્યું કે ખાદ્યતેલના ઓછા વપરાશથી સ્થૂળતા ઓછી કરવાનો વ્યક્તિગત વિષય નથી પણ પરિવાર પ્રતિ આપણી જવાબદારી પણ છે. ખાન-પાનમાં તેલના વધારે વપરાશથી હાર્ટની બીમારી, શુગર અને હાઈ બ્લડ-પ્રેશર જેવી અનેક બીમારીઓનો ખતરો વધે છે. ખાન-પાનમાં નાના-નાના બદલાવથી આપણે આપણું ભવિષ્ય મજબૂત બનાવવાની સાથે-સાથે તંદુરસ્તી મેળવી શકીએ છીએ અને શરીરને સશક્ત અને રોગમુક્ત બનાવી શકીએ છીએ.
વડા પ્રધાને અપીલ કરી હતી કે ‘તમે નક્કી કરો કે દર મહિને ૧૦ ટકા તેલનો ઉપયોગ ઓછો કરીશું. તમે તેલની ખરીદીમાં ૧૦ ટકાનો કાપ મૂકશો. આ સ્થૂળતા ઓછી કરવાની દિશામાં મહત્ત્વનું પગલું બની રહેશે. આ એપિસોડ બાદ હું ૧૦ લોકોને વિનંતી અને ચૅલેન્જ આપીશ કે શું તેઓ તેમના તેલના વપરાશમાં ૧૦ ટકાનો કાપ મૂકશે? હું તેમને પણ વિનંતી કરીશ કે તેઓ આવી જ ચૅલેન્જ બીજા ૧૦ લોકોને આપે. મને ખાતરી છે કે સ્થૂળતા સામે લડવામાં આવી ચૅલેન્જ ખૂબ ઉપયોગી નીવડશે.’