13 December, 2025 12:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઝુબીન ગર્ગ
આસામના ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ગઈ કાલે આસામના ગુવાહાટીમાં ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં આ કેસમાં ૩૫૦૦થી વધુ પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટ ૪ ટ્રન્કમાં કોર્ટમાં લાવવામાં આવી હતી. SITના ૯ સભ્યો ૬ વાહનોના કાફલા દ્વારા કોર્ટમાં પહોંચ્યા હતા. ઝુબીન ગર્ગનું મૃત્યુ ૧૯ સપ્ટેમ્બરે સિંગાપોરમાં દરિયામાં થયું હતું. આ મૃત્યુની તપાસ માટે આસામ સરકારે ખાસ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ એમ. પી. ગુપ્તાના નેતૃત્વમાં SITની રચના કરી હતી. આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં ૭ જણની ધરપકડ કરવામાં આવી છે અને ૩૦૦થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ તાજેતરમાં પૂરા થયેલા વિધાનસભા સત્રમાં દાવો કર્યો હતો કે ઝુબીન ગર્ગનું મૃત્યુ સાદી અને સરળ હત્યા હતી.
ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં વિનાયક દામોદર સાવરકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અવસરે અમિત શાહે કહ્યું હતું કે ‘આંદામાન અને નિકોબાર માત્ર દ્વીપસમૂહ નથી, આ કેટલાય સ્વતંત્રતાસેનાનીઓના ત્યાગ, સમર્પણ અને દેશભક્તિની બનેલી તપોભૂમિ છે. વીર સાવરકરજીનું જીવન માતૃભૂમિ પ્રત્યે અથાગ પ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રાણ ન્યોછાવર કરવાની પ્રેરણા આપે છે.’
નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી ઍક્ટ (MGNREGA) યોજનાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના (PBGRY) કરવાનું નક્કી કર્યું છે. આ માટે કેન્દ્રીય કૅબિનેટની બેઠકમાં નામ બદલવા તેમ જ કામના દિવસોની સંખ્યા વધારવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત મળનારા ફાયદાઓમાં પણ સરકારે વધારો કર્યો છે. પહેલાં MGNREGA યોજના હેઠળ વર્ષમાં ૧૦૦ દિવસના રોજગારની ગૅરન્ટી હતી જે PBGRY હેઠળ ૧૨૫ દિવસની કરવામાં આવી છે.
તસવીર : જનક પટેલ
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા પરિશ્રમ એલિગન્સ બિલ્ડિંગમાં ગઈ કાલે આગ લાગી હતી. બીજા અને ત્રીજા ફ્લોર પર આગ ફેલાઈ જતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને થતાં એણે ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની સાથે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી અને ૪૦ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. આગ કયાં કારણોસર લાગી હતી એની તપાસ શરૂ કરી હતી.
શુક્રવારે બપોરે લગભગ દોઢ વાગ્યે ઉમરગામના તુંબ ગામ પાસે આવેલી પ્લાસ્ટિકની એક ફૅક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિકના રૉ મટીરિયલે ખૂબ ઝડપથી આગ પકડી લીધી હતી અને પવન પણ ખૂબ વાતો હતો એટલે આગ જોતજોતામાં ભીષણ બની ગઈ હતી. પ્લાસ્ટિક બળવાને કારણે કાળા ધુમાડાના ગોટેગોટા કલાકો સુધી નીકળતા જોવા મળ્યા હતા. તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ આગ પર કાબૂ મેળવતાં લગભગ સાડાસાત કલાક લાગ્યા હતા. ફૅક્ટરી આખી બળીને ખાખ થઈ ગઈ હોવાથી કંપનીના માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
દક્ષિણ ગુજરાતના વલસાડમાં ગુંદલાવ-ખેરગામ રોડ પર ઔરંગા નદી પર બની રહેલા હાઈ-લેવલ બ્રિજની કામગીરી દરમ્યાન ગઈ કાલે સવારે બ્રિજ પર સ્ટેજિંગ નમી જતાં આખું સ્ટ્રક્ચર ધડાકાભેર તૂટી પડ્યું હતું અને પાંચ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. વધુ ઈજાગ્રસ્ત શ્રમિકોને બે-બે લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોને એક-એક લાખ રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું હતું.
ઇન્ડિગોમાં મોટા પાયે ફ્લાઇટોના કૅન્સલેશનને કારણે પ્રવાસીઓને પડેલી વ્યાપક તકલીફો બાદ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ એના ૪ ફ્લાઇટ ઑપરેશન્સ ઇન્સ્પેક્ટરોને બરતરફ કર્યા છે. આ ૪ ઑપરેશન્સ ઇન્સ્પેક્ટરો ભારતની સૌથી મોટી ઍરલાઇનના કામકાજ પર દેખરેખ રાખવા માટે સીધા જવાબદાર હતા. જોકે DGCAએ બરતરફી પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી. ફ્લાઇટ ઑપરેશન્સ ઇન્સ્પેક્ટરોને ઑપરેશનલ પાલન અને સલામતીનું નિરીક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
સરકારે રાજ્યસભામાં જાણકારી આપી હતી કે સુપ્રીમ કોર્ટથી લઈને નીચલી અદાલતો સુધી દેશભરમાં ૫.૪૯ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. આ મુદ્દે કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે દેશની વિવિધ અદાલતોમાં કુલ ૫.૪૯ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાંથી ૯૦,૮૯૭ સુપ્રીમ કોર્ટમાં છે. આ સિવાય દેશની ૨૫ હાઈ કોર્ટમાં ૬૩,૬૩,૪૦૬ કેસ પેન્ડિંગ છે. ૮ ડિસેમ્બર સુધી નીચલી અદાલતોમાં ૪,૮૪,૫૭,૩૪૩ કેસ પેન્ડિંગ હતા. કેસોના બૅકલૉગનાં ઘણાં કારણો છે જેમાં તથ્યોની જટિલતા, પુરાવાની પ્રકૃતિ, હિસ્સેદારો (બાર, તપાસ એજન્સીઓ, સાક્ષીઓ અને અરજદારો)નો સહયોગ, સહાયક કોર્ટ-સ્ટાફનો અભાવ અને માળખાગત સુવિધાઓનો અભાવ સામેલ છે.