ગુજરાતી ભાષા પાસે વાર્તાઓનો અમૂલ્ય ખજાનો પડેલો છે. ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, કુન્દનિકા કાપડિયાથી લઈને રામ મોરી જેવા યુવા વાર્તા સર્જકોની કલમેથી પણ ગુજરાતી ભાષાને સમૃધ્ધ વાર્તાઓ મળી છે. ઘણા સાહિત્ય રસિકજન છાપામાં કે સામયિકોમાં છપાયેલી વાર્તાઓ વાંચતાં હોય છે. આજના ડિજિટલ જમાનામાં આ બધી જ વાર્તાઓ ઈ-બુક કે ઓડિયો-બુક તરીકે હાથવગી થઈ છે. રસ્તામાં આવતા-જતાં, પ્રવાસ દરમ્યાન લોકો ટચસ્ક્રિનના સહારે વાર્તાઓના દરિયામાં ડૂબકી લગાડતા હોય છે.સાહિત્યમાં જેમ દિવસે-દિવસે પરિવર્તન આવી રહ્યું છે તેમ તેમ એની રજૂઆતના પણ વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આજકાલ તો વાર્તાઓને વાચિકમના સ્વરૂપે પણ રજૂ કરવામાં આવે છે. તેના પણ અવનવા પ્રયોગો સામે આવતા હોય છે. વાર્તાઓને કાગળમાંથી બહાર કાઢીને તેના પાત્રોને જીવંત કરવાનો જાણે પ્રયાસ ન થતો હોય! વલસાડના એક સાહિત્ય રસિક અને વોઇસ આર્ટિસ્ટ જીગ્નેશ પટેલ ગુજરાતી વાર્તાઓને યુટ્યુબ ચેનલ ‘કથાયન’ દ્વારા નવા જ સ્વરૂપે રજૂ કરવાનો વિશેષ પ્રયોગ હાથ ધર્યો છે. તેઓ વડોદરાના સ્થાનિક કલાકારોને પણ આ પ્રયોગમાં સહભાગી કરી રહ્યા છે. વાર્તાના પાત્રો અનુસાર કલાકારોને રિહર્સલ કરાવીને સ્ટુડિયોમાં વાર્તાના વાચિકમને રેકોર્ડ કરે છે.
21 June, 2023 01:43 IST | Valsad | Dharmik Parmar