ભાજપના આ વરિષ્ઠ નેતાની ફરી કથળી તબિયત, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

14 December, 2024 11:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

LK Advani Hospitalised: બીજેપીના લાલ કૃષ્ણ અડવાણીની તબિયત ફરી બગડી, તાત્કાલિક દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

એલ કે અડવાણીની ફાઈલ તસવીર

ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP)ના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)ની તબિયત ફરી એકવાર બગડી છે. એલ કે અડવાણીને દિલ્હી (Delhi)ની એપોલો હોસ્પિટલ (Apollo Hospital) માં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ન્યુરો સંબંધિત સમસ્યાઓ છે. એપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગના નિષ્ણાત ડો.વિનીત સૂરીની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. ૯૬ વર્ષીય લાલ કૃષ્ણ અડવાણી હાલમાં ડૉક્ટરના નિરીક્ષણ (LK Advani Hospitalised) હેઠળ છે.

આ પહેલા એલ કે અડવાણીને આ વર્ષે જુલાઈના પહેલા સપ્તાહમાં અને ઓગસ્ટ મહિનામાં પણ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં (LK Advani Hospitalised) દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાને બે દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે પણ તેમને ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી વર્ષ ૨૦૧૪થી સક્રિય રાજકારણથી દૂર છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અડવાણી સૌથી લાંબા સમય સુધી ભાજપના અધ્યક્ષ રહ્યા છે. તેઓ દેશના નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે.

લાલકૃષ્ણ અડવાણીનો જન્મ ૮ નવેમ્બર, ૧૯૨૭ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગસાહસિક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ ડીજી નેશનલ સ્કૂલ, હૈદરાબાદ, સિંધમાં જોડાયા.

એલ કે અડવાણી વર્ષ ૧૯૪૭માં દેશની આઝાદીની ઉજવણી પણ કરી શક્યા નહોતા કારણ કે આઝાદીના થોડા જ કલાકોમાં તેમને પોતાનું ઘર છોડીને ભારત જવાનું થયું હતું. વિભાજન સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.

અડવાણીએ તેમની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શરૂ કરી હતી. ઘણા વર્ષો સુધી અડવાણી રાજસ્થાનમાં આરએસએસના પ્રચારકના કામમાં રોકાયેલા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારાઓમાં સામેલ છે. ૧૯૮૦ અને ૧૯૯૦ની વચ્ચે અડવાણીએ ભાજપને રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બનાવવાનું કામ કર્યું. લાલકૃષ્ણ અડવાણી ત્રણ વખત (૧૯૮૬ થી ૧૯૯૦, ૧૯૯૩ થી ૧૯૯૮ અને ૨૦૦૪ થી ૨૦૦૫) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ ૧૯૯૮ અને વર્ષ ૨૦૦૪ વચ્ચે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં ગૃહ પ્રધાન હતા. લાલ કૃષ્ણ અડવાણી ૨૦૦૨થી ૨૦૦૪ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાન પદે હતા. ૧૦મી અને ૧૪મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. વર્ષ ૨૦૧૫માં, તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે મંદિર બનાવવા માટે ચળવળ શરૂ કરી હતી. બીજી તરફ અડવાણીના નેતૃત્વમાં ભાજપ રામમંદિર આંદોલનનો ચહેરો બની ગયો. અડવાણીએ ૨૫ સપ્ટેમ્બર, ૧૯૯૦ના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ પર સોમનાથથી રામ રથયાત્રાની શરૂઆત કરી હતી.

l k advani apollo hospital new delhi bharatiya janata party rashtriya swayamsevak sangh india indian politics national news news