24 March, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ (ફાઈલ તસવીર)
કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગેરકાયદે અથવા નિયમોનું પાલન નહીં કરનારી ઑનલાઇન મની-ગેમિંગ સંસ્થાઓની ૩૫૭ વેબસાઇટ અથવા URLને બ્લૉક કરી દેવામાં આવ્યાં છે અને આવી ૭૦૦ બીજી સંસ્થાઓ સામે તપાસ ચાલી રહી છે. ઑનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘરેલુ અને વિદેશી ઑપરેટરો સામેલ છે.
આ સંદર્ભમાં નાણામંત્રાલયે જણાવ્યું હતું કે ‘એવું જોવામાં આવ્યું છે કે આ સંસ્થાઓ રજિસ્ટ્રેશન કરાવવામાં નિષ્ફળ રહેવાથી, ટૅક્સેબલ ઇન્કમ છુપાવવામાં અને ટૅક્સના નિયમોને ચાતરી જઈને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ની ચોરી કરી રહી છે. ઇન્કમ ટૅક્સની વિવિધ જોગવાઈ હેઠળ આવી ૩૫૭ વેબસાઇટ અથવા URLને બ્લૉક કરી દેવામાં આવ્યાં છે અને આવી ૭૦૦ બીજી સંસ્થાઓ સામે તપાસ ચાલી રહી છે.’
GST કાયદા હેઠળ ઑનલાઇન મની-ગેમિંગ ટૅક્સેબલ છે અને એના પર ૨૮ ટકા GST લાગે છે. આ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓએ GST હેઠળ રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે.
નાણાં મંત્રાલયની લોકોને સલાહ
નાણાં મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે ઘણી બૉલીવુડ સેલિબ્રિટી અને ક્રિકેટરો, યુટ્યુબ, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સરો સાથે મળીને આ પ્લૅટફૉર્મને સપોર્ટ કરે છે. આથી લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સતર્ક રહે અને ઑનલાઇન મની-ગેમિંગ પ્લૅટફૉર્મ સાથે ન જોડાય, કારણ કે આ પ્લૅટફૉર્મ તેમનાં નાણાંને જોખમમાં નાખી શકે છે.