15 March, 2026 10:43 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતની ટોચની દવા નિયમનકારી સંસ્થા ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળીઓ માટે નવા ફરજિયાત લેબલિંગ નિયમોને મંજૂરી આપી છે. બૉક્સ પર હવે ૩ ચેતવણીઓ હોવી જરૂરી બનાવવામાં આવી છે. આ ૩ ચેતવણીઓમાં આ ગોળીઓ HIV (હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ) અથવા જાતીય સંક્રમિત ચેપથી રક્ષણ આપતી નથી, એનું સેવન મહિનામાં બે વારથી વધુ ન કરવું જોઈએ અને આ ગોળીઓ લેતાં પહેલાં રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનરની સાથે વાત કરવી જોઈએ એવું લખવામાં આવશે.
અયોધ્યામાં રહેતા જિતેન્દ્ર નામના કલાકાર સૂકા પીપળાના પાન પર દેવી-દેવતાઓનાં પેઇન્ટિંગ્સ બનાવવા માટે જાણીતા છે. નૅચરલ અને નાજુક પાંદડાં પર ખૂબ બારીક કામ કરીને તેઓ શ્રી રામ, શિવજી, હનુમાન અને કૃષ્ણના વિવિધ અવતારોને પહેલાં સ્કેચ કરીને પછી વાઇબ્રન્ટ રંગોથી પેઇન્ટ કરવા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે રચેલું ભગવાન રામનું ચિત્ર સુંદરતાની સાથે દિવ્યતાનો અનુભવ કરાવે છે.
કાનપુરમાં ઈટાવા હાઇવે પર શનિવારે સવારે પુરજોશમાં દોડી રહેલી ટૂરિસ્ટ બસ સાઇડમાં પાર્ક કરેલા ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. એ બસમાં ૫૭ તીર્થયાત્રીઓ સવાર હતા. એમાંથી બેનાં મૃત્યુ થયાં હતાં અને પંચાવન લોકો ઘાયલ થયા હતા. આ બસ નાશિકથી નીકળી હતી અને અયોધ્યા થઈને નેપાલ જવાની હતી.
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે ઉકળાટ ચાલુ રહ્યો હતો. મુંબઈમાં ગઈ કાલે સાંતાક્રુઝમાં ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વળી ભેજને કારણે ઉકળાટ, બફારો પણ હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે અથવા કાલે કદાચ થોડી રાહત મળે. આજે મુંબઈમાં મૅક્સિમમ ૩૩ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા દર્શાવાઈ છે. જ્યારે બીજી બાજુ ગઈ કાલે કોલ્હાપુરના કરવીર તાલુકામાં બપોર સુધી ગરમી હતી અને એ પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાયો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. કેટલીક જગ્યાઓએ કરા પણ પડ્યા હતા. કેટલાંક કાચાં ઘરોનાં નળિયાં પણ ઊડી ગયાં હતાં. ઘર પરનાં પતરાં પણ ઊડી ગયાં હતાં અને કેટલાંક ઝાડ પણ તૂટી પડ્યાં હતાં. આજે પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડે એવી શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે.
નવી મુંબઈના કળંબોલીના એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લૅટમાંથી ૯ માર્ચે ૩૬ લાખ રૂપિયાની મતા ચોરાઈ હતી. ચોરો ૯ માર્ચે સાંજે બંધ ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને ૩૬ લાખ રૂપિયાની મતા ચોરી ગયા હતા. આ સંદર્ભે ત્યાર બાદ પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી. કેસની સમાંતર તપાસ નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ચોરીની વિગતો તપાસી CCTV કૅમેરાનાં ફુટેજ મેળવીને ઝડપી તપાસ કરી હતી અને ૨૪ કલાકની અંદર જ ડાયઘર ગામમાંથી બે ભાઈઓ પવન જાધવ અને સુમિત જાધવને તેમ જ તેમના ત્રીજા સાગરીત શિવાજી રાઠોડને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ચોરાયેલી મતા પાછી મેળવી હતી.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ કાર્યવાહી કરીને ફૉરેન કરન્સી અને ડાયમન્ડ પકડી પાડ્યાં હતાં. DRIના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે ફૉરેન જઈ રહેલા ચાર જણની ચકાસણી કરી હતી. તેમના લગેજમાં બનાવાયેલાં છૂપાં ખાનાંઓમાં ૧.૯૩ કરોડ રૂપિયાની કિંમતના સ્ટર્લિંગ પાઉન્ડ અને અમેરિકન ડૉલર મળી આવ્યા હતા. એ ઉપરાંત ૫૩ પાઉચમાં હીરા પણ મળી આવ્યા હતા જેની કિંમત ૧.૧૦ કરોડ થાય છે. પ્રવાસીઓ દ્વારા ફૉરેન કરન્સી કે હીરા બાબતે કોઈ પણ ડેક્લેરેશન કરવામાં નહોતું આવ્યું. વળી આટલા મોટા પ્રમાણમાં હીરા એક્સપોર્ટ કરવાના પણ તેમની પાસે કોઈ જ દસ્તાવેજ નહોતા.
નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટરડૅમ શહેરમાં ગઈ કાલે વહેલી સવારે એક યહૂદી સ્કૂલમાં થયેલા વિસ્ફોટથી થોડું નુકસાન થયું હતું. સાઉથ ઍમ્સ્ટરડૅમની સ્કૂલમાં થયેલા વિસ્ફોટથી વરસાદના પાણીનો નિકાલ કરતી પાઇપલાઇનને નુકસાન થયું હતું અને બાહ્ય દીવાલ બળી ગઈ હતી. જોકે કોઈને ઈજા થઈ નથી. નેધરલૅન્ડ્સમાં રૂઢિચુસ્ત યહૂદીઓ માટે ખાસ આ સ્કૂલ એકમાત્ર છે અને અગાઉનાં જોખમોને કારણે એ મોટા ભાગે અણીદાર, ધાતુની બાહ્ય દીવાલથી ઘેરાયેલી છે. શહેરના મેયર ફેમ્કે હાલસેમાએ આ વિસ્ફોટને યહૂદી સમુદાય પર ઇરાદાપૂર્વકનો હુમલો ગણાવીને કહ્યું હતું કે ‘દેશમાં નફરત ફેલાવવાની કોશિશ કરતી આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. યહૂદી સંસ્થાઓમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ યહૂદી સમુદાય સામે કાયરતાપૂર્ણ આક્રમણ છે. ઍમ્સ્ટરડૅમમાં યહૂદી લોકો વધુ ને વધુ યહૂદી વિરોધીવાદનો સામનો કરી રહ્યા છે. આ અસ્વીકાર્ય છે.’