28 December, 2022 08:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ચીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કોરોનાના કેસ આવવાને કારણે ઍન્ટિ-વાઇરલ્સની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે, જેને કારણે હવે ચીનના લોકો કોરોનાની સારવાર માટે બ્લૅકમાં જેનરિક દવા મગાવી રહ્યા છે. ચીને આ વર્ષે બે કોવિડ ઍન્ટિ-વાઇરલ્સ-ફાઇઝરની પૅક્સલોવિડ અને અઝ્વુડાઇનને મંજૂરી આપી છે. જોકે આ બન્ને દવા માત્ર કેટલીક હૉસ્પિટલોમાં જ અવેલેબલ છે. મર્યાદિત સપ્લાય અને એની સામે ડિમાન્ડ ખૂબ વધી જતાં આ દવાઓની કિંમતો પણ આકાશને આંબી ગઈ છે. જેને કારણે ચીનમાંથી અનેક લોકો ભારતમાંથી ગેરકાયદે આયાત કરવામાં આવતી સસ્તી જેનરિક દવાઓ તરફ વળ્યા છે.
ચાઇનીઝ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર ‘એક હજાર યુઆન (લગભગ ૧૨ હજાર રૂપિયા) પ્રતિ બૉક્સના ભાવે ઍન્ટિ-કોવિડ ભારતીય જેનરિક દવાઓ’ જેવા ટૉપિક્સ ટ્રેન્ડિંગ છે. યુઝર્સ કેવી રીતે ભારતથી બ્લૅકમાં જેનરિક દવાઓ મગાવી શકાય એની ટિપ્સ આપી રહ્યા છે.
ભારતમાંથી કોરોનાની ટ્રીટમેન્ટ માટેની જેનરિક દવાઓ પ્રિમોવિર, પૅક્સિસ્ટા, મૉલ્નુનેટ અને મૉલ્નાટ્રિસના બ્રૅન્ડ-નેમ હેઠળ ચાઇનીઝ માર્કેટમાં ગેરકાયદે વેચાઈ રહી છે.
જોકે ભારતીય જેનરિક દવાઓને ચીનની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી અને એનું વેચાણ કરવું એ ગુનો છે. કેટલાંક ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પણ સરકારી અધિકારીઓની નજરથી બચવા માટે ભલતા જ લેબલનો ઉપયોગ કરીને આવી જેનરિક દવાઓનું વેચાણ કરી રહ્યાં છે.
ચીનમાં ડૉક્ટર્સ આ રીતે ગેરકાયદે લાવવામાં આવેલી દવાઓ ન ખરીદવા માટે લોકોને ચેતવી રહ્યા છે. જોકે સ્થિતિ એ છે કે ચીનમાં અનેક હૉસ્પિટલોએ જણાવ્યું છે કે તેમને ત્યાં દવાઓનો સ્ટૉક જ આવ્યો નથી. જેને કારણે અનિચ્છાએ પણ ચીનના લોકોએ ભારતમાંથી બ્લૅકમાં દવાઓ મગાવવી પડે છે.