02 December, 2025 10:42 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સંસદ પરિસરમાં શ્વાન લઈને પહોંચ્યાં કૉન્ગ્રેસનાં સંસદસભ્ય રેણુકા ચૌધરી
સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે ગઈ કાલે કૉન્ગ્રેસનાં સંસદસભ્ય રેણુકા ચૌધરી કારમાં શ્વાન લઈને સંસદ પરિસર પહોંચ્યાં હતાં એથી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્યોએ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો.
જ્યારે રેણુકા ચૌધરીને પૂછવામાં આવ્યું કે તમે શ્વાનને સંસદમાં કેમ લાવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘સરકારને પ્રાણીઓ ગમતાં નથી, એમાં નુકસાન શું છે? આ એક નાનું અને બીજાને હાનિ નહીં પહોંચાડતું પ્રાણી છે, કરડતું નથી, કરડનારા બીજે ક્યાંય છે, સંસદની અંદર છે.’
રેણુકા ચૌધરીએ આવું કહ્યું એટલે BJPના સંસદસભ્ય જગદંબિકા પાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘રેણુકા ચૌધરી સંસદમાં શ્વાનને લાવ્યાં એ ખોટું છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. સાંસદ તરીકે વિશેષાધિકાર મળે છે પણ એનો અર્થ એનો દુરુપયોગ થાય એવો નથી.’
રેણુકા ચૌધરીએ સંસદની બહાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો જવાબ આપ્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ‘સરકારે એક મહિનાના સત્રને ઘટાડીને પંદર દિવસનું કેમ કર્યું? તમે શા માટે ચિંતિત છો કે અમે ગૃહમાં કયા મુદ્દા ઉઠાવીશું? શું મુદ્દા ઓછા હતા?’
સિક્યૉરિટીની ચિંતા વળી શું?
સંસદમાં શ્વાન લઈને આવવાથી સિક્યૉરિટી અને સેફ્ટી-પ્રોટોકૉલ તોડવાના આરોપ સામે રેણુકા ચૌધરીએ કહ્યું હતું, ‘કેવો પ્રોટોકૉલ? ક્યાંય કોઈ કાયદો છે? હું આવી રહી હતી અને ત્યાં સ્કૂટર અને કારવાળા વચ્ચે ટક્કર થઈ. એની આગળ આ નાનકડું ગલૂડિયું નીકળીને સામે આવી ગયું. મને થયું કે ક્યાંક કોઈ વાહનનાં પૈડાં નીચે આવી જશે એટલે મેં ઉઠાવીને ગાડીમાં રાખી લીધું અને પાર્લમેન્ટમાં આવી ગઈ. હવે કૂતરો પણ ગયો અને ગાડી પણ ગઈ તો હવે કઈ વાતની ચિંતા છે? અસલી કરડવાવાળા તો સંસદમાં બેઠા છે જે સરકાર ચલાવે છે.’
સંસદના કયા નિયમોનું ઉલ્લંઘન?
સંસદમાં પાળેલાં પ્રાણીઓને લાવવાનું નિયમનો ઉલ્લંઘન મનાય છે. સંસદભવન પરિસરમાં આચરણના નિયમોની હૅન્ડબુક બહાર પાડવામાં આવી છે. એ બુકના નિયમ અનુસાર પરિસરમાં માત્ર વ્યક્તિ, વાહન કે સુરક્ષા-ક્લિયરન્સમાંથી પસાર થયેલી સામગ્રી જ લાવી શકાય છે. પાળતુ જાનવરોને પરિસરમાં પ્રવેશની અનુમતિ નથી.