04 December, 2024 12:59 PM IST | Tripura | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી હિન્દુઓને ટાર્ગેટ બનાવીને પાંચ મહિનાથી હિન્દુઓનાં મંદિરો અને ઘરોને આગ લગાડવાની ઘટનાઓ બની રહી છે. એના વિરોધમાં બંગલાદેશની બૉર્ડર નજીક આવેલા ત્રિપુરામાં ‘બૉયકૉટ બંગલાદેશ’ મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે.
ત્રિપુરામાં હૉસ્પિટલો, હોટેલો અને રેસ્ટોરાંઓમાં બંગલાદેશના લોકો માટે નો એન્ટ્રી લગાડવામાં આવી છે. આ મૂવમેન્ટમાં ભારતભરના વેપારીઓ જોડાય એવી હાકલ ગઈ કાલે અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT -કેઇટ)ના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કર દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે સરકારે પણ બંગલાદેશ સાથેના બધા જ સંબંધો ખતમ કરી દેવા જોઈએ.
ઑલ ત્રિપુરા હોટેલ ઍન્ડ રેસ્ટોરાં ઓનર્સ અસોસિએશનના મહાસચિવ શૌકત બંદોપાધ્યાયે કહ્યું હતું કે ‘સોમવારે એક ઇમર્જન્સી મીટિંગમાં અમે નિર્ણય લીધો હતો કે જે પાડોશી દેશમાં ભારતના ધ્વજનું અપમાન કરવામાં આવે છે એ દેશના લોકોને આપણા દેશમાં અમે આવકાર કે કોઈ ટ્રીટમેન્ટ આપીશું નહીં. અમારો ભારત દેશ એક ધર્મનિરપેક્ષ દેશ છે જ્યાં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે, જ્યારે બંગલાદેશમાં અલ્પસંખ્યકોને ત્યાંના કટ્ટરપંથીઓ સતત ત્રાસ આપીને પીડા આપી રહ્યા છે. પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવતી હતી, પણ હવે તો તેમણે હદ પાર કરી દીધી છે.’