Article 370 Verdict: શું જમ્મુ કાશ્મીરમાં ફરી લાગુ થશે કલમ 370? આજે SC આપશે ચુકાદો

11 December, 2023 07:44 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Article 370 Verdict: જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરવામાં આવેલી કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયની બંધારણીય માન્યતા પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરવામાં આવેલી કલમ 370 હટાવવાના (Article 370 Verdict) કેન્દ્રના નિર્ણયની બંધારણીય માન્યતા પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. કલમ 370 હટાવવા (Article 370 Verdict)નો વિરોધ કરી રહેલા કેટલાક અરજદારોની દલીલ છે કે 1957 પછી વિધાનસભાની મંજૂરી વિના કલમ 370 હટાવી શકાય નહીં. સાથે જ કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે આ મામલે કોઈ બંધારણીય ગોટાળા થઈ નથી.

આજે બંધારણીય બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવશે

આજે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલા કેસોની યાદીમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 (કલમ 370 ચુકાદો) હટાવવાના (Article 370 Verdict) મામલાનો ઉલ્લેખ છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો આપવાના છે. બેન્ચના અન્ય ન્યાયાધીશોમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં 16 દિવસની સુનાવણી બાદ 2 ઓગસ્ટે દલીલો પૂર્ણ થઈ હતી અને કોર્ટે 5 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય યથાવત રાખ્યો હતો.

કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય (Article 370 Verdict) સામે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. આજે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે. 

2019માં તેની સામે કુલ 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી 16 દિવસ સુધી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે આ અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો અને આજે તે પોતાનો નિર્ણય આપવા જઈ રહી છે. બીજી તરફ આજે સંસદનું સત્ર પણ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બપોરે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. 

નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી જમ્મુ અને કાશ્મીરના લોકોના અધિકારોની પુનઃસ્થાપના માટે બંધારણ અનુસાર શાંતિપૂર્ણ રીતે લડત ચાલુ જ રાખશે. તેમણે વધુમાં કહ્યું કે બંધારણના અનુચ્છેદ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટના પ્રતિકૂળ નિર્ણયની સ્થિતિમાં પણ તેમની પાર્ટી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિને ખલેલ પહોંચાડશે નહીં.

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે પણ એવી આશા વ્યક્ત કરી હતી કે સુપ્રીમ કોર્ટ 2019માં બંધારણની કલમ 370ની જોગવાઈઓ (Article 370 Verdict)ને રદ કરવાને પડકારતી અરજીઓ પર લોકોના પક્ષમાં પોતાનો ચુકાદો આપશે. તેમણે કહ્યું કે, “મેં આ અગાઉ પણ કહ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના લોકોને કલમ 370 અને 35A પરત કરી શકે તેવી માત્ર બે (સંસ્થાઓ) છે અને તે સંસ્થાઓ છે સંસદ અને સુપ્રીમ કોર્ટ.”

5 ઓગસ્ટ, 2019ના રોજ, કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 નાબૂદ કરી હતી. જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી. અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી હતી - જમ્મુ અને કાશ્મીર તેમ જ લદ્દાખ.

supreme court jammu and kashmir ladakh national news amit shah india