25 August, 2024 09:51 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
શુક્રવારે રાત્રે બે દિવસની છત્તીસગઢની મુલાકાતે ગયેલા દેશના ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે સવારે ચંપારણ્યમાં આવેલી શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠનાં દર્શન કરવા ગયા હતા. અડધો કલાકની આ મુલાકાત દરમ્યાન તેમણે મહાપ્રભુજીની પાદુકાનું પૂજન કર્યું હતું. વૈષ્ણવોના પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના શ્રીમદ્ વલ્લભાચાર્યએ કરી હતી અને ચંપારણ્ય તેમનું પ્રાગટ્યસ્થળ હોવાથી વૈષ્ણવોમાં એનું બહુ જ મહત્ત્વ છે. અમિત શાહની મુલાકાત વિશે શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય બેઠકજીના ગાદીપતિ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ ચંપારણ્યથી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમિત શાહ સવારે સાડાદસ વાગ્યે આવ્યા હતા. મહાપ્રભુજીની પાદુકાના પૂજન બાદ પુષ્ટિમાર્ગની પરંપરા અનુસાર તેમને શાલ, ઉપરણા અને પાઘ પહેરાવીને પ્રસાદ આપવામાં આવ્યો હતો. પૂજન કર્યા બાદ અમે રાષ્ટ્ર અને ધર્મના ઉત્કર્ષની ચર્ચા કરી હતી. અમિતભાઈ વૈષ્ણવ હોવાથી તેમણે પરિવાર સાથે ફરીથી અહીં આવીને મહાપ્રભુજીની બેઠકમાં ઝારીજી (સેવા) ભરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.’
ગઈ કાલે દર્શન કર્યા બાદ અમિત શાહે સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘આજે ચમ્પારણ્ય (છત્તીસગઢ)માં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ્રાગટ્યસ્થળે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ઉપાસક વલ્લભાચાર્યજીએ કૃષ્ણભક્તિથી જન-જનને જોડવાનું કામ કર્યું છે. તેમણે શુદ્ધાદ્ધૈત દર્શન (વલ્લભસિદ્ધાંત)થી ભારતીય ભક્તિપરંપરાની વિશિષ્ટ વ્યાખ્યા રજૂ કરી તેમ જ પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરીને વૈષ્ણવોની ભક્તિને નવી ચેતના પ્રદાન કરી છે. આ પવિત્ર જગ્યાએ આવીને પૂજ્ય વલ્લભાચાર્યજીની ભક્તિ અને વિચારોની અદ્વિતીય અનુભૂતિ થાય છે.’
આ પહેલાં ૨૦૦૧માં તેઓ મહાપ્રભુજીની બેઠકનાં દર્શન કરવા આવ્યા હતા. અમિત શાહની આ મુલાકાત માટે બેઠકજીથી પાંચ કિલોમીટરના અંતરે ખાસ હેલિપૅડ ઊભું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાય અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન વિજય શર્મા પણ આવ્યા હતા. દર્શન કરીને તેઓ રાયપુર રવાના થઈ ગયા હતા. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી કાંદિવલીમાં મજીઠિયાનગરની બાજુમાં આવેલી શ્રી દ્વારકાધીશજી હવેલીના પણ ગાદીપતિ છે.