04 October, 2025 10:40 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
લગભગ વીસ દિવસ સુધી ગંગાના મેઇન્ટેનન્સનું કામ ચાલશે
ઉત્તરાખંડમાં હરિદ્વારમાં હર કી પૌડી પર ગંગાસ્નાન કરવાનું અનોખું માહાત્મ્ય છે. જોકે ગઈ કાલે ગંગા નદીની સફાઈના પ્રોજેક્ટ અંતર્ગત નદીનો પ્રવાહ ઘાટ પાસે પહોંચતો રોકવામાં આવ્યો હતો. એને કારણે ઘાટ સૂકા થઈ ગયા હતા. શ્રાવણ મહિનાથી લઈને નવરાત્રિ દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ નદીમાં સિક્કા અને મૂલ્યવાન ચીજો ચડાવે છે. નદીનું પાણી સુકાતાં લોકો હર કી પૌડી ઘાટ પર કીમતી ચીજો વીણવા એકઠા થઈ ગયા હતા. લગભગ વીસ દિવસ સુધી ગંગાના મેઇન્ટેનન્સનું કામ ચાલશે.
કાશીમાં વરસાદની વચ્ચે થયું રામ અને ભરતનું મિલન
સંસ્કૃતિ અને પરંપરાઓની નગરી વારાણસીમાં દશેરાના બીજા દિવસે ભરતમિલાપનો ઉત્સવ ઊજવાય છે. વિજયાદશમીના બીજા દિવસે કાશીનગરીમાં ભગવાન રામનો ભરત સાથેનો મિલનનો કાર્યક્રમ રંગેચંગે ઊજવાય છે. આ પરંપરા ૪૮૨ વર્ષ જૂની છે. આ મિલાપ દરમ્યાન હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે અને રામ અને ભરતના વેશમાં દશરથ-પુત્રોનું મિલન થાય છે.