23 February, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીશાન અખ્તર
બાંદરાના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકી હત્યાકેસના વૉન્ટેડ આરોપી ઝીશાન અખ્તરે એક વિડિયો વાઇરલ કર્યો છે જેમાં તેણે કહ્યું હતું કે ‘મને આ કેસમાં ખોટી રીતે સંડોવી દેવાયો છે. ભારતથી ભાગી જવામાં મને પાકિસ્તાનના ગૅન્ગસ્ટર શેહઝાદ ભાટીએ મદદ કરી હતી. અમને જ્યારે પણ મોકો મળશે ત્યારે સામેવાળાને ઠોકતા રહીશું.’
વાઇરલ થયેલી એ વિડિયો-ક્લિપમાં હૂડી પહેરેલા ઝીશાને કહ્યું હતું કે ‘અત્યારે હું એશિયાથી બહુ જ દૂર છું અને મને શેહઝાદ ભાટીએ જ આશરો પણ આપ્યો છે. તે અમારા મોટા ભાઈ જેવા છે. અમને કોઈ પણ તકલીફ હોય તો શેહઝાદ અમારી સાથે ઊભા રહીને અમને સાથ આપે છે. તપાસ કરશે તો ભારતવાળાને ખબર પડી જ જશે કે હું ક્યાં છું. મારા દુશ્મનોને હું ચેતવવા માગું છું કે હું અહીંથી નીકળ્યા પછી તેમને જોઈ લઈશ.’
શેહઝાદ ભાટી સોશ્યલ મીડિયા પર અવારનવાર શસ્ત્રો સાથેના ધમકીભર્યા વિડિયો પોસ્ટ કરતો રહે છે. જોકે તેના પર પાકિસ્તાનમાં પણ અન્ડરવર્લ્ડ સાથેના કનેક્શનને લીધે બૅન મૂકવામાં આવ્યો છે.
ઝીશાન અખ્તરના આ વિડિયોને લઈને મુંબઈ પોલીસનો સાઇબર સેલ ઍક્ટિવ થઈ ગયો છે અને વિડિયોમાં જે દેખાય છે તે ઝીશાન જ છે અને તેણે જે દાવા કર્યા છે એ સાચા છે કે કેમ એની ખાતરી કરવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.