05 August, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
મુંબઈની લાઈફ લાઇન લોકલ ટ્રેનોનું નેટવર્ક ખૂબ જ વ્યસ્ત હોય છે, અને અનેક ઘટનાઓ બને છે. તાજેતરમાં જ એક મહિલાએ રેલવે વિસ્તારમાં જોરદાર હંગામો મચાવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટિકિટ ચૅકિંગ દરમિયાન આ મહિલાએ ડ્રામા કર્યો હતો. દાદર રેલવે સ્ટેશનના ફૂટ-ઓવર બ્રિજ પર રેકોર્ડ કરવામાં આવેલા આ વીડિયોમાં મહિલા ટિકિટ-ચૅકિંગ સ્ટાફ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અધિકારીઓ સામે ચીસો પાડતી, રડતી અને દલીલ કરતી જોવા મળી રહી છે.
વાયરલ વીડિયોમાં વ્યસ્ત પુલ પર મહિલાએ હોબાળો મચાવ્યો
વીડિયોમાં એક ઑફિસ આઉટફિટ પહેરેલી મહિલા વિરોધ કરતી દેખાઈ રહી છે અને એક પુરુષ તેનું હૅન્ડબૅગ પકડીને ઊભો છે. મહિલા પર એવો આરોપ છે TCએ તેની પાસેથી ટિકિટ માગી જોકે તેણે બતાવ્યા વિના જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પણ સ્ટાફે તેને રોકી હતી. ક્લિપમાં એક RPF અધિકારી પણ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરતો અને મહિલાને સહકાર આપવા વિનંતી કરતો જોવા મળે છે. જોકે, મહિલા વધુને વધુ ઉશ્કેરાયેલી દેખાય છે.
"હું ભાગી રહી નહોતી, શું તમે મારી સ્થિતિ જોઈ શકતા નથી?" ભાગી જવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવે ત્યારે તે ચીસો પાડીને કહ્યું. જ્યારે મહિલને ટિકિટ બતાવવા કે દંડ ભરવાનું કહેવામાં આવે છે, ત્યારે તે બૂમ પાડવા લાગે છે, "મને તમારો QR કોડ આપો. મારે ઉતાવળ કરવી પડશે." સમગ્ર વીડિયોમાં, રેલવે સ્ટાફ શાંત રહે છે અને ભીડવાળા પુલ પર હોબાળો હોવા છતાં, તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયોની સત્યતા હજી સુધી જાણી શકાઈ નથી અથવા મહિલા સામે કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેની પુષ્ટિ કરી થઈ નથી અને રેલવે દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી હતી.
ફર્સ્ટ ક્લાસની ટિકિટ વિના પકડાયા બાદ મુસાફરે ટીસી પર હુમલો કર્યો
ટિકિટ ચૅકિંગ દરમિયાન પણ એક અલગ ઘટના સામે આવી હતી. 2 ઑગસ્ટના રોજ, એક મુસાફરે વિરાર ફાસ્ટ લોકલના ફર્સ્ટ-ક્લાસ કોચમાં માત્ર સેકન્ડ ક્લાસ ટિકિટ સાથે પકડાયા બાદ રેલવે મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. અંધેરી અને બોરીવલી વચ્ચે ડૅપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પૅક્ટર શમશેર ઇબ્રાહિમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું.
અધિકારીઓએ અહેવાલ આપ્યો કે ત્રણ મુસાફરો માન્ય ફર્સ્ટ ક્લાસ ટિકિટ વિના મુસાફરી કરતા જોવા મળ્યા હતા, અને એક પાસે બિલકુલ ટિકિટ નહોતી. તેમને બોરીવલી ખાતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને ટિકિટ ચૅકરની ઑફિસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક આરોપી હિંસક બન્યો હતો. ઝપાઝપીમાં, મુસાફરે કમ્પ્યુટર સીપીયુ અને અન્ય સાધનોને નુકસાન પહોંચાડ્યું હતું. રેલવે સ્ટાફ અને આરોપી બન્નેને નાની ઈજાઓ થઈ હતી અને તેમને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.