01 March, 2021 11:02 AM IST | Mumbai | Pallavi Smart
પ્રતીકાત્મક તસવીર
કોવિડ-19ના પેશન્ટ્સની વધતી જતી સંખ્યા અને બીજી લહેરના ભયે શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમ જ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી પોતાની ચિંતા પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા મજબૂર કર્યા છે.
સોશ્યલ મીડિયા પર તેમના પ્રયાસને પ્રતિસાદ સાંપડ્યો હતો અને ગઈ કાલે સવારથી જ ટ્વિટર પર #Reducemoresyllabus, #Justice4Students અને #SupportMaharashtraStudentsનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ ટ્વિટરિયાઓએ તેમની પોસ્ટ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડને ટૅગ કરી હતી તો વળી કેટલાક શિક્ષકોના જૂથે સૂચનોનો મુસદ્દો તૈયાર કર્યો છે જે આજે સરકારને સુપરત કરવામાં આવશે.
કાલિનાની સ્કૂલમાં ગણિતના શિક્ષક દિનેશકુમાર ગુપ્તાએ કહ્યું કે ‘આ વર્ષે બોર્ડની પરીક્ષામાં બધું નવું હોવાથી પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ ઘણા દબાણ હેઠળ છે. રાજ્યના અનેક વિસ્તારોની સ્કૂલોમાં અભ્યાસક્રમ અધૂરો છે તથા પ્રૅક્ટિસ-ટેસ્ટ પણ નથી લેવાઈ. સરકારને કરવામાં આવેલા સૂચનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની પદ્ધતિ પસંદગી કરવાનો વિકલ્પ આપવાનું તેમ જ સ્ટુડન્ટ્સને બીજી સ્કૂલને બદલે પોતાની જ સ્કૂલમાં પરીક્ષા આપવાની પરવાનગી આપવાનું, એસેસમેન્ટના માર્કને ગણતરીમાં લઈને લેખિત પરીક્ષાના કુલ માર્ક ઓછા કરવા જોઈએ. પરીક્ષાની તૈયારી સરળ બની રહે એ માટે સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન-બૅન્ક આપવી જોઈએ. ઉપરોક્ત તમામ સૂચનો રાજ્યના વિવિધ પ્રાંતોના શિક્ષકોએ કર્યા છે.