30 November, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
મહારાષ્ટ્રના કૅરટેકર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે બપોર બાદ અચાનક તેમના સાતારામાં આવેલા દરે ગામ જવા નીકળી ગયા હતા. તેઓ ગામમાં બે દિવસ રહેશે. ગુરુવારે રાત્રે દિલ્હીમાં અમિત શાહ સાથે બેઠક કર્યા બાદ હવે મુંબઈમાં મહાયુતિના નેતાઓની બેઠક થવાની શક્યતા છે ત્યારે એકનાથ શિંદે અચાનક તેમના ગામ પહોંચી જતાં જાત-જાતની અટકળો લગાવવામાં આવી રહી છે. શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન ઉદય સામંતે ગઈ કાલે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘એકનાથ શિંદેની બે દિવસથી તબિયત ખરાબ છે. ગુરુવારે તેઓ દિલ્હીમાં અમિત શાહ સાથેની બેઠકમાં ગયા હતા ત્યારે પણ તેમને તાવ અને શરદી હતાં. આજે પણ તેમની તબિયતમાં સુધારો નથી થયો. નવી સરકારની શપથવિધિ લંબાવવામાં આવી છે એટલે એકનાથ શિંદે ગામમાં બે દિવસ આરામ કરવા ગયા છે. તેમણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેમને પણ મુખ્ય પ્રધાન બનાવશે તેમને પોતાનું સમર્થન રહેશે એટલે નારાજ હોવાનો કોઈ પ્રશ્ન નથી. તબિયત સારી ન હોય તો કોઈ પણ આરામ કરવા માટે વતન જાય એમાં કોઈએ સવાલ ન કરવા જોઈએ. સોમવારે એકનાથ શિંદે મુંબઈ આવી જશે અને મોટા ભાગે સોમવારે જ મહાયુતિની સંયુક્ત બેઠક થશે.’