19 October, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રતન તાતા
મુંબઈમાં ૯ ઑક્ટોબરે ૮૬ વર્ષની વયે છેલ્લા શ્વાસ લેનારા ઉદ્યોગપતિ રતન તાતા તેમની આખરી ઇચ્છાઓને પૂરી કરવા માટેનું કામ તેમના નજીકના ચાર સાથીઓને સોંપીને ગયા છે, જેઓ તેમના વિલને એક્ઝિક્યુટ કરશે. આ ચારમાં વકીલ દરાયસ ખંભાતા, નજીકના મિત્ર મેહલી મિસ્ત્રી અને બે સાવકી બહેનો શિરીન અને ડીઆના જીજીભોયનો સમાવેશ થાય છે. રતન તાતાના વિલમાં આ ચારનાં નામ એક્ઝિક્યુટર તરીકે રાખવામાં આવ્યાં છે.
મેહલી મિસ્ત્રી સર દોરાબજી તાતા ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝમાં છે. આ બે ટ્રસ્ટ તાતા સન્સમાં બાવન ટકાની હિસ્સેદારી ધરાવે છે. મેહલી મિસ્ત્રી રતન તાતાના ખાસ વિશ્વાસુ માણસ ગણાય છે. ૨૦૧૬માં તાતા સન્સના ચૅરમૅન પદેથી બરતરફ થયેલા દિવંગત સાયરસ મિસ્ત્રીના તેઓ ફર્સ્ટ કઝિન છે.
દરાયસ ખંભાતાને સાત વર્ષના ગાળા બાદ તાતા ગ્રુપનાં આ બે મુખ્ય ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નીમવામાં આવ્યા છે. તેમણે જ રતન તાતાને વિલ તૈયાર કરવામાં મદદ કરી હતી. રતન તાતાની બે સાવકી બહેનો શિરીન અને ડીઆના જીજીભોય પણ સખાવતી કામમાં સંકળાયેલી છે. રતન તાતા નાની બહેન સાથે વધારે સંપર્કમાં હતા. રતન તાતાના વિલની વિગતો પ્રાઇવેટ રાખવામાં આવી છે, પણ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-૨૦૨૪માં જણાવ્યા મુજબ રતન તાતાની સંપત્તિ ૭૯૦૦ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.