વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનનું ૪૨૦૬ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થયું

11 March, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થને પ્રાધાન્ય, ૧૭૯૨.૦૭ કરોડ રૂપિયા કન્સ્ટ્રક્શન માટે ફાળવવામાં આવ્યા

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ ૨૦૨૬-’૨૭ માટે ૪૨૦૬.૮૭ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
VVMCના કમિશનર મનોજકુમાર સૂર્યવંશીએ સોમવારે બજેટ રજૂ કર્યું હતું, જેમાં ૧૭૯૨.૦૭  કરોડ રૂપિયા કન્સ્ટ્રક્શન માટે ફાળવ્યા છે. ૧૩ મુખ્ય રસ્તાઓના કૉન્ક્રીટીકરણને અને ૩૮ કિલોમીટર લાંબા રિંગ રોડ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવશે. ૪૦૦ બેડની મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ ઉપરાંત આરોગ્યકેન્દ્રોના નેટવર્કનો વિસ્તાર કરવાની યોજના છે.

બજેટમાં પાણીપુરવઠા અને સ્વચ્છતા માટે પણ ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેમાં નવાં જળાશયોનું નિર્માણ અને અન્ડરગ્રાઉન્ડ ગટરના વિસ્તરણનો સમાવેશ થાય છે. થીમ-બેઝ્ડ એન્ટરટેઇનમેન્ટ પાર્ક,  સંસદની પ્રતિકૃતિ ધરાવતો કૉન્સ્ટિટ્યુશન પાર્ક અને સ્થાનિક ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપવા અને માછીમારી સમુદાયને ટેકો આપવા માટે સમર્પિત ગામોના વિકાસની યોજના છે. 

ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિસિપલ બિલ્ડિંગો પર સૌર પૅનલ ફરજિયાત બનાવવામાં આવશે, જ્યારે રહેવાસીઓને વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રોત્સાહન આપવામાં આવશે જેમાં એક લાખ રૂપિયા સુધીની સબસિડીનો સમાવેશ થાય છે.

ચંદનસર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ કોચિંગ સેન્ટર ઊભું કરવાની અને બોળિંજ ખાતે એક સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેકસ વિકસાવવાની યોજના છે.

VVMC પાંચ વર્ષનો મિલકતવેરો અગાઉથી ચૂકવનારા મિલકતમાલિકોને ૧૫ ટકા રિબેટ આપવાનું ચાલુ રાખશે. સ્વતંત્રતાસેનાનીઓ અને ભૂતપૂર્વ સૈનિકોની વિધવાઓ માટે પણ મિલકતવેરા પર ૧૦૦ ટકા માફી ચાલુ રહેશે.

mumbai news mumbai vasai virar city municipal corporation vasai virar political news healthy living