03 June, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નારપોલી પોલીસ-સ્ટેશન
ઉત્તર પ્રદેશની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા ધરપકડ કરાયેલા આરોપીએ ભિવંડીના નારપોલી પોલીસ-સ્ટેશનની રેકી કરીને એનો ૧૮ સેકન્ડનો વિડિયો પાકિસ્તાનના હૅન્ડલરોને મોકલ્યો હતો. આ વાતની જાણ થતાં જ મહારાષ્ટ્ર ATS અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે થાણે પોલીસને આ વાતની જાણ કરીને સાવચેત રહેવા જણાવ્યું છે.
દાનિયાલ અશરફ અને ક્રિષ્ના મિશ્રા નામના આરોપીઓને ઉત્તર પ્રદેશ ATSએ મે મહિનાના પહેલા અઠવાડિયામાં પકડ્યા હતા અને એમાંના દાનિયાલ અશરફે નારપોલી પોલીસ-સ્ટેશનના ફોટો અને વિડિયો પાકિસ્તાનના હૅન્ડલર શહઝાદ ભટ્ટી અને ઑપરેટિવ આબિદ જટ્ટને મોકલ્યા હોવાનું જણાયું હતું.
આ પહેલાં પણ શહઝાદ ભટ્ટી કરાવી ચૂક્યો છે આવા હુમલા
શહઝાદ ભટ્ટી આ પહેલાં પંજાબના ગુરદાસપુરમાં પોલીસ-સ્ટેશનની બહાર ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ગ્રેનેડ-હુમલો કરાવી ચૂક્યો છે. એ જ રીતે મુંબઈ-ભિવંડીમાં પણ પોલીસદળોને નિશાન બનાવવાનું કાવતરું પૂછપરછ દરમ્યાન સામે આવ્યું છે.
વધુમાં વધુ પોલીસોને હાનિ પહોંચાડવાનો ટાસ્ક
વધુમાં વધુ પોલીસો અને સુરક્ષાદળોની જાનહાનિ થાય એવો તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)નો હેતુ હોવાથી બન્ને આરોપીઓને રેકી કરવા મોકલ્યા હોવાનું તપાસમાં જણાયું છે.