ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો, તેઓ ફરી મુખ્ય પ્રધાન નહીં બને ત્યાં સુધી દુઃખ હળવું નહીં થાય

16 July, 2024 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માતોશ્રીમાં પધારેલા જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું...

ગઈ કાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવાર સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

અયોધ્યામાં અપૂર્ણ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો પહેલાં વિરોધ કરનારા અને બાદમાં નિવેદન બદલનારા જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ગઈ કાલે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારજનોની મુલાકાત કરી હતી. બાદમાં શંકરાચાર્યે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આપણે બધા હિન્દુ અને સનાતન ધર્મનું પાલન કરનારા લોકો છીએ. આપણા ધર્મમાં પુણ્ય અને પાપ વિશે કહેવામાં આવ્યું છે. સૌથી મોટો ઘાત વિશ્વાસઘાત છે. ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે, જેની પીડા અનેક લોકોને છે. તેમણે નિમંત્રણ આપ્યું હતું એટલે હું માતોશ્રી આવ્યો છું. તેમણે પરિવાર સાથે સ્વાગત કર્યું હતું ત્યારે મેં તેમને કહ્યું હતું કે જ્યાં સુધી તમે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની ખુરસી ઉપર નહીં બેસો ત્યાં સુધી લોકોના મનનું દુઃખ ઓછું નહીં થાય. કોનું હિન્દુત્વ સાચું એ સમજી લેવાની જરૂર છે. જે વિશ્વાસઘાત કરે છે તે ક્યારેય હિન્દુત્વવાદી ન હોઈ શકે. જે વિશ્વાસઘાત સહન કરે તે હિન્દુ છે. જનતાનું પણ અપમાન કરવામાં આવ્યું છે એ ખોટું છે.’

નરેન્દ્ર મોદી મારા દુશ્મન નથી : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન બાદ શુભ આશીર્વાદ ફંક્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા એનો વિડિયો વાઇરલ થયો છે. એ વિશે ગઈ કાલે મુંબઈમાં પત્રકારોએ સવાલ કર્યો હતો એના જવાબમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ‘હા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારી પાસે આવ્યા હતા. તેમણે પ્રણામ કર્યા. અમારો નિયમ છે કે જે પણ અમારી પાસે આવે તેને અમે આશીર્વાદ આપીએ છીએ. નરેન્દ્ર મોદી અમારા દુશ્મન નથી. અમે તેમના શુભચિંતક છીએ અને હંમેશાં તેમની ભલાઈ માટે જ બોલીએ છીએ. તેમનાથી કોઈ ભૂલ થાય તો કહીએ પણ છીએ.’

uddhav thackeray aaditya thackeray maharashtra matoshree ayodhya mumbai mumbai news