18 December, 2025 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ૧૫ જાન્યુઆરીએ થનારી મુંબઈ સહિતની રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીની પ્રચારસભાઓ બન્ને ઠાકરે ભાઈઓ શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે સાથે મળીને ગજવશે.
રાજ્ય સરકાર હાલ મહાયુતિ ચલાવી રહી છે જેમાં BJP, શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે. મંગળવારે સંજય રાઉત રાજ ઠાકરેને મળ્યા હતા. એ પછી સંજય રાઉતે કહ્યું હતું કે ‘શિવસેના (UBT) અને MNS મુંબઈ, મીરા–ભાઈંદર, કલ્યાણ– ડોમ્બિવલી, થાણે, પુણે અને નાશિકની સુધરાઈ સાથે મળીને લડશે. આવતા અઠવાડિયામાં આ વિશેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એ માટે મુંબઈ અને મુંબઈની બહાર સાથે સભાઓ યોજશે. આ હાલની મહારાષ્ટ્રની જરૂરિયાત છે. ઠાકરે બંધુઓ વધુ ને વધુ સભાઓ સાથે યોજે અને લોકોને સંબોધે એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’
સંજય રાઉતે કહ્યું હતું કે ‘BJPએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને સાથે નથી રાખી. NCPના મુંબઈના નેતા નવાબ મલિકને લઈને તેમણે આવો નિર્ણય લીધો હોવાનું કહ્યું છે જે હાસ્યાસ્પદ છે.’