વિઘ્નહર્તાનાં દર્શનમાં આમ આદમીનું વિઘ્ન દૂર કરવા પાંચ ડિમાન્ડ

16 September, 2024 06:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાલબાગચા રાજાના દરબારમાં VIP કલ્ચર સામે વિરોધ બાદ બે ઍડ્વોકેટોએ હવે પોલીસમાં પણ કરી ફરિયાદ

જુઓ કઈ રીતે એક તરફ ભક્તોને હડસેલવામાં આવી રહ્યા છે અને બીજી તરફ VIP લોકો આરામથી ફોટો પડાવી રહ્યા છે. શનિવારના ‘મિડ-ડે’માં રિપોર્ટ પબ્લિશ થયો હતો.

ભક્તો સાથે ભેદભાવ ન થાય અને સેફ્ટી પણ જળવાય એનાં પગલાં લેવા માટે પોલીસ-કમિશનરને લેટર લખીને કરી કમ્પ્લેઇન્ટ

લાલબાગચા રાજાનાં દર્શન કરવા લાખો ભાવિકો આવે છે ત્યારે દર્શન કરવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને જ્યારે તેમનો વારો આવે છે ત્યારે ત્યાં રાખવામાં આવેલી સિકયોરિટી તેમ જ બાઉન્સર્સ તેમને ખરાબ રીતે ટ્રીટ કરતા હોય છે અને બીજી બાજુ કહેવાતા VIP અને VVIP માટે તેમનું વલણ એનાથી તદ્દન વિરુદ્ધ હોય છે અને તેમને શાંતિથી દર્શન કરીને ફોટો-સેલ્ફી પાડવા દેવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ આ મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટના બે વકીલો આશિષ રાય અને પંકજકુમાર મિશ્રાએ મુંબઈના પોલીસ-કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરીને યોગ્ય ઍક્શન લેવા વિનંતી કરી છે એટલું જ નહીં, આ બાબતે લોકોની અને ખાસ કરીને મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે કરવામાં આવેલી ફરિયાદ બાદ પણ કોઈ પગલાં ન લેવાયાં હોવાથી એ સંદર્ભે મંડળના અધિકારીઓ, પોલીસ અને પ્રશાસન સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.

મુંબઈના પોલીસ-કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરનારા વકીલોમાંના એક આશિષ રાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાલબાગચા રાજાનાં દર્શન માટે મહિલાઓ, બાળકો, સિનિયર સિટિઝિનો, દિવ્યાંગો અને ઘણી વાર તો ગર્ભવતી મહિલાઓ પણ આવતી હોય છે. વાઇરલ થયેલા વિડિયોમાં ચોખ્ખું દેખાય છે કે કઈ રીતે સામાન્ય લોકોને ત્યાં ટ્રીટ કરવામાં આવે છે. પંડાલમાં તેમની બાજુમાં જ VIP ટ્રીટમેન્ટ અપાય છે. આવા લોકોને કારણે કૉમન પબ્લિકને ત્રાસ થતો હોય છે એટલું જ નહીં; આ જ્યારે બનતું હોય છે ત્યારે ત્યાં મુંબઈ પોલીસના ઑફિસરો, પ્રશાસનના અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ તહેનાત હોય છે છતાં કોઈનું ધ્યાન આ તરફ જતું નથી, કારણ કે એ કૉમન મૅનની વાત છે. તેમનું વલણ એવું હોય છે કે જનતા પોતાનું ફોડી લેશે. એવું એક વલણ સહજ અપનાવાઈ ગયું છે કે લોકો તો સહન કરી જ લે. એ ભીડમાં અસામાજિક તત્ત્વો પણ હોય છે. મ​હિલાઓ સાથે પણ અનિચ્છનીય ઘટનાઓ બને છે, પણ સામાજિક બદનામીના ડરે તેઓ એને જાહેર કરતાં ડરે છે અને ફરિયાદ નથી કરતી. પોલીસ સુરક્ષા નથી આપતી એવું નથી, પણ જે રીતે સુરક્ષા પૂરી પાડે છે એ પૂરતું નથી. પોલીસે આ બાબતે સંવેદનશીલ બનવું જરૂરી છે. ખાસ કરીને રાજાની સામેના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પર સુરક્ષા પર ધ્યાન આપવાની જરૂર છે.’ 

આજે સવારથી લાલબાગચા રાજાના ચરણસ્પર્શના દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે.

શું છે પાંચ ડિમાન્ડ?
 સામાન્ય જનતા અને VIPને ભેદભાવ વગર સરખી સુરક્ષા પૂરી પાડવામાં આવે.
 સામાન્ય જનતા પણ આદરપૂર્વક દર્શન કરી શકે એવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. 
 કોઈ VIP દર્શન કરવા આવે તો તેને કારણે સામાન્ય જનતાને દર્શન કરવામાં તકલીફ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી.
 બાળકો, મહિલાઓ, સિનિયર સિટિઝનો માટે સુરક્ષાનાં યોગ્ય પગલાં લેવાં જેથી કોઈ અપ્રિય ઘટના ન બને. 
 સંસ્થાના કાર્યકરો દ્વારા અભદ્ર ભાષા વાપરવામાં આવે અથવા ભક્તોની છેડછાડ થાય તો એની તાત્કાલિક ફરિયાદ થઈ શકે એ માટે પંડાલમાં જ પોલીસનો પ્રબંધ કરવામાં આવે. 

mumbai news mumbai lalbaugcha raja lalbaug ganpati mumbai police social media