✕

ટાઇગર શ્રોફનો અટૅકર હૃતિક ઉર્ફે રોશન લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સ્લીપર સેલનો સભ્ય?

24 October, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસને એવી પણ શંકા છે કે તેને તેના ખર્ચને પહોંચી વળવા અને શહેરમાં રહેવા માટે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ પાસેથી પૈસા મળતા હતા. પોલીસ આ આરોપોની તપાસ કરી રહી છે.

હૃતિક કુર્મી ઉર્ફે રોશન

બૉલીવુડના અભિનેતા ટાઇગર શ્રોફ સાથે સંકળાયેલા ગોળીબારના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાંના એક હૃતિક કુર્મી ઉર્ફે રોશન વિશે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે કે શું તે એક વર્ષથી વધુ સમયથી મુંબઈમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સ્લીપર સેલના સભ્ય તરીકે કામ કરતો હતો કે કેમ?
હુમલા પહેલાં હૃતિક કુર્મીએ મુંબઈમાં સેલિબ્રિટીઓનાં ઘરોની રેકી કરી હતી. પોલીસને શંકા છે કે હૃતિક કુર્મી ડિલિવરી એજન્ટ અને બાઇક-ટૅક્સી રાઇડર તરીકેના પોતાના કામનો ઉપયોગ કરતો હતો, જેથી તે કોઈનું ધ્યાન ખેંચ્યા વિના શહેરમાં ફરી શકે. તે બૉલીવુડની સેલિબ્રિટીઝ રહેતી એ પૉશ વિસ્તારોમાં જઈને ત્યાંની રેકી કરતો હતો અને એ સ્થળોના વિડિયો ગૅન્ગના સભ્યોને મોકલતો હતો. સૂત્રોનું કહેવું છે કે મુંબઈમાં ફરતી વખતે શંકા ન જાય એ માટે તે રૅપિડોનો રાઇડર હોવાનો ડોળ કરતો હતો.
ક્રાઇમ બ્રાન્ચ શહેરમાં હૃતિક કુર્મીના રોકાણ દરમ્યાન તેની હિલચાલ, રહેઠાણ અને સ્થાનિક સંપર્કોની પણ તપાસ કરી રહી છે. અંધેરી-ઈસ્ટમાં ભાડાના મકાનમાં રહેવા જતાં પહેલાં તે જુહુ અને ગોરેગામમાં પણ કેટલાક મહિનાઓ સુધી રહ્યો હોવાનું કહેવાય છે. પોલીસને એવી પણ શંકા છે કે તેને તેના ખર્ચને પહોંચી વળવા અને શહેરમાં રહેવા માટે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ પાસેથી પૈસા મળતા હતા. પોલીસ આ આરોપોની તપાસ કરી રહી છે.

tiger shroff lawrence bishnoi mumbai police Crime News mumbai crime news mumbai news mumbai