ઘાટકોપરમાં મહિલા અને બાળકોની ચોરટી ગૅન્ગ સક્રિય બની છે?

24 October, 2024 08:18 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપર-વેસ્ટની એક સોસાયટીમાં મંગળવારે સવારે નવ વાગ્યામાં ઘરના સેફ્ટી-ડોરની સ્ટૉપર ખોલીને બેડરૂમમાંથી એક છોકરી મોબાઇલ અને પર્સ ચોરી ગઈ

સેફ્ટી-ડોરની સ્ટૉપર ખોલીને અંદર ગયા પછી ચોરી કરીને બહાર આવેલી ટીનેજર.

ઘાટકોપર-વેસ્ટની કામા લેનમાં આવેલી મુનિસુવ્રત આશિષ સોસાયટીમાં મંગળવારે સવારે નવ વાગ્યે ૧૩થી ૧૪ વર્ષની એક છોકરીએ સેફ્ટી-ડોરની સ્ટૉપર ખોલીને ઘરમાં સભ્યો હોવા છતાં બેડરૂમમાંથી મોબાઇલ અને ખાલી લેડીઝ પર્સની ચોરી કરતાં હાહાકાર મચી ગયો છે. આખો બનાવ સોસાયટીના CCTV કૅમેરામાં કેદ થઈ ગયો છે. આ બનાવથી સ્થાનિક રહેવાસીઓને ઘાટકોપરમાં ભિક્ષુક જેવી લાગતી મહિલા અને બાળકોની ગૅન્ગ સક્રિય થઈ હોવાની શંકા જાગી છે. આ પહેલાં માટુંગામાં ત્રણ-ચાર મહિલાઓ અને બાળકોની ગૅન્ગે બપોરના સમયે અનેક ઘરોમાં હાથસફાઈ કરીને સિનિયર સિટિઝનો અને મહિલાઓમાં ફફડાટ ફેલાવ્યો હતો.

ઘાટકોપરના બનાવની માહિતી એવી છે કે મુનિસુવ્રત આશિષ સોસાયટીમાં મંગળવારે સવારે નવ વાગ્યાની આસપાસ ચૂડીદાર પહેરેલી ૩૦થી ૩૫ વર્ષની એક મહિલા આઠથી આઠથી ૧૪ વર્ષની બે નાની છોકરીઓ સાથે સોસાયટીમાં પ્રવેશી હતી. સોસાયટીમાં આવ્યા પછી આ મહિલા અને છોકરીઓ ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લૅટોમાં બહારથી ડોકિયાં કરીને ઘર પર નજર રાખી રહી હતી.

આ સોસાયટીમાં બીજા માળે રહેતા અને ઘાટકોપર-ઈસ્ટમાં સાઇકલ અને રમકડાંની દુકાન ધરાવતા ૪૭ વર્ષના વિશાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીના CCTV કૅમેરાનાં ફુટેજ પ્રમાણે આ છોકરી અને તેની સાથેની મહિલાએ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર પર દરવાજા ખોલવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ છોકરીએ પહેલા માળે અલગ-અલગ ફ્લૅટોના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને સફળતા મળી નહોતી. અંદાજે ૯.૩૦ વાગ્યાની આસપાસ આ છોકરીએ બીજા માળે આવેલા મારા ફ્લૅટના સેફ્ટી-ડોરની સ્ટૉપર બહારથી હાથ નાખીને ખોલીને દરવાજો ખોલી નાખ્યો હતો. આ સમયે મારી પત્ની અને મમ્મી બન્ને રસોડામાં કામ કરતાં હતાં અને હું બાથરૂમમાં નહાવા ગયો હતો. આમ છતાં છોકરી હિંમત કરીને ધીમા પગલે મારા બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. ત્યાં તે સાડાચાર મિનિટ રહી હતી. બેડરૂમમાં બેડ પર પડેલો મારી મિસિસનો મોબાઇલ અને એની બાજુમાં પડેલું પર્સ લઈને તે ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી.’

જોકે અમને આખા બનાવની વીસથી ૨૫ મિનિટ પછી મારી મિસિસને તેનો મોબાઇલ ન મળ્યો ત્યારે જાણ થઈ હતી એમ જણાવતાં વિશાલ શાહે કહ્યું હતું કે ‘ઘરમાં જ રાખેલો મોબાઇલ અમને ન મળતાં અમે સેફ્ટી-ડોર ખુલ્લો જોયો ત્યારે અમને ઘરમાં કોઈ આવીને ચોરી ગયું હોવાની શંકા ગઈ હતી. તરત જ અમે અમારી સોસાયટીના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં કોઈ ગૅન્ગ સક્રિય બની હોવાની જાણકારી મળી હતી.’

ચાર કલાક પછી પોલીસે ફરિયાદ લીધી

આ બાબતની ફરિયાદ કરવા અમારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ત્રણથી ચાર વાર ચક્કર ખાવા પડ્યાં હતાં એમ જણાવતાં સોસાયટીના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ધોળે દિવસે બનેલા ચોરીના બનાવથી ઑલરેડી ફફડી ગયા હતા. એમાં પોલીસ અમારી વાત સાંભળવા તૈયાર નહોતી. મોબાઇલની કિંમત ફક્ત ૧૦,૦૦૦ રૂપિયા હોવાથી પોલીસને અમારી ફરિયાદ સાંભળવામાં રસ નહોતો. અમે છેલ્લે રાતના બાર વાગ્યે ફરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે અમારી પાસે CCTV કૅમેરાનાં ફુટેજ હોવા છતાં પોલીસ કારણ વગરના સવાલો પૂછીને સમય પસાર કરી રહી હતી. જોકે અમે હાર માની નહોતી. અમને એક જ ભય હતો કે જે રીતે સવારના સમયે બધા પુરુષો ઘરમાં હોવા છતાં એક મહિલા અને તેની સાથેની બે છોકરીઓ ઘરમાં ઘૂસીને ચોરી કરવાની હિંમત કરી શકતી હોય તેઓ ક્યારેક કોઈ છરી કે ચાકુ જેવી વસ્તુ સાથે લાવીને ઘરની મહિલાઓ પર હુમલો કરીને મોટી ચોરીને પણ અંજામ આપી શકે છે. દુખની વાત એ છે કે પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લીધા વગર અમારી ફરિયાદ લેવામાં ચાર કલાક લીધા હતા.’

mumbai news mumbai ghatkopar Crime News mumbai crime news mumbai crime branch